- રશિયા યુક્રેન વિવાદ
- રશિયા યુક્રેન શાંતિ માટે સહમત
- પણ યુદ્ઘ જેવું વાતાવરણ તો યથાવત જ
દિલ્હી: યુક્રેન પર બે દિવસ સુધી કરવામાં આવેલા હુમલા બાદ હવે રશિયા શાંતિ માટે સહમત થયું છે. અત્યાર સુધીમાં હજારો કરોડોનું નુક્સાન પણ થયું છે, ત્યારે મંત્રણાના અહેવાલો વચ્ચે પણ રશિયાએ કીવ પર કબજો જમાવવા આગેકૂચ ચાલુ રાખી છે. બીજીબાજુ યુક્રેનનું સૈન્ય પણ પૂરી તાકતથી રશિયાનો સામનો કરી રહ્યું છે.
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન પર આક્રમણના બીજા દિવસે યુક્રેનના સૈન્યને કીવમાં સરકારને ઉથલાવવા અને શસ્ત્રો હેઠા મૂકવા જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે યુક્રેનનું સૈન્ય રશિયાનો સામનો ના કરે તો તેઓ વાટાઘાટો માટે તૈયાર છે. પુતિને તેમનું પ્રતિનિધિમંડળ વાતચીત માટે મોકલવાની વાત કરી છે.
યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ પણ રશિયાની આ ઓફર અંગે પ્રતિક્રિયા આપી છે. નાટો અને અમેરિકાએ યુદ્ધના સમયે કોઈ મદદ ના કરતાં યુક્રેન નિરાશ થઈ ગયું છે. તેથી જ તેણે વાતચીત માટે દરખાસ્ત કરી છે. જોકે, આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ કોઈ મોટું ડેવલપમેન્ટ થવાની સંભાવના છે. યુક્રેનના પ્રમુખના સલાહકાર ઓલેકસી અરેસ્ટોવીચે જણાવ્યું હતું કે, યુક્રેન સરકાર મિન્સ્કમાં રશિયન પ્રતિનિધિમંડળ સાથે વાટાઘાટોની દરખાસ્ત અંગે વિચારણા કરી રહી છે.
રશિયન સૈન્યે દાવો કર્યો હતો કે તેણે કીવ અને પશ્ચિમના દેશો સાથેનો સંપર્ક કાપી નાંખ્યો છે અને પૂર્વીય યુક્રેનમાં અલગતાવાદી દળોએ રશિયન સૈન્યની મદદથી યુક્રેનના સૈન્ય પર હુમલો કર્યો હતો.