રશિયા-યુક્રેન યુદ્ધઃ રશિયાન સેનાના વધુ એક મેજર જનરલના મોતનો દાવો
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેને રશિયન સૈનાના વધુ એક મેજર જનરલના મોતનો દાવો કર્યો છે. યુક્રેનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે, યુદ્ધમાં મેજર જનરલ વિતાલી ગેરાસિમોવનું મૃત્યું થયું છે. જો કે, રશિયા તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. એક અઠવાડિયામાં આ બીજા મેજર જનરલ છે તેમના મોતનો દાવો યુક્રેને કર્યો છે. આ પહેલા 3 માર્ચના રોજ યુક્રેને રશિયાના મેજર જનરલ એન્ડ્રી સુખોવેત્સ્કીના મોતનો દાવો કર્યો હતો.
રશિયાના મેજર જનરલ વિતાલી ગેરાસિમોવનો જન્મ 9મી જુલાઈ 1977માં રશિયાના કજાન શહેરમાં થયો હતો. વર્ષ 1999માં કજાન હાયર ટેંક કમાન્ડ સ્કૂલમાં ગ્રેજુએશનનો અભ્યાસ કર્યો હતો. તેઓ રશિયાની 41મી આર્મીના ચીફ ઓફ સ્ટાફ હતા. તેઓ 41મી આર્મીના પહેલા ડેપ્યુટી કમાન્ડર રહી ચુક્યાં છે. રશિયા અને યુક્રેન વચ્ચે 24મી ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆત થઈ હતી. આ દરમિયાન બંને દેશ દ્વારા અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યાં છે. યુક્રેનના જનરલ સ્ટાફએ કાવો કર્યો છે કે, યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 હજારથી વધારે સૈનિકો રશિયાના માર્યા ગયા છે. તેમજ રશિયાની સેનાના 290 ટેન્ક, 999 બખ્તરબંધ ગાડીઓ, 46 લડાકુ વિમાન અને 68 હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યાં છે.