મોરબીઃ રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ ફાટી નીકળતા મોરબીના સિરામીક ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. રશિયા અને યુક્રેનમાં સિરામિક ઉદ્યોગકારો દ્વારા થોડાં પ્રમાણમાં નિકાસ થાય છે અને આવતા મહિનાના અંતમાં રશિયામાં એક સિરામિક પ્રદર્શન યોજાવાનું છે. એટલે હવે ત્યાં જવા માટે પણ અસમંજસભરી સ્થિતિ સર્જાઇ છે.’
મોરબી સિરામીક એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં મહિને આશરે 7થી 8 કરોડની સિરામિક પ્રોડક્ટસની નિકાસ કરવામાં આવે છે. જ્યારે રશિયામાં માસિક રૂ.50 કરોડ આસપાસની નિકાસ કરવામાં આવે છે. બન્ને દેશોમાં કટોકટીનો સમય ચાલી રહ્યો હોવાથી અત્યારે માલ ડિસ્પેચ કરવામાં સમસ્યા થવા લાગી છે. ત્યાં માલ મોકલવામાં હવે ડર લાગી રહ્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારો યુક્રેનથી સિરમિક ટાઇલ્સના ઉત્પાદનમાં વપરાતી ખાસ યુક્રેનીયન ક્લે પણ આયાત કરે છે. એમાંથી મોટી સાઇઝમાં બનતી વિટ્રીફાઇડનું ઉત્પાદન થાય છે. જો કટોકટીકાળ લાંબો સમય રહે તો ક્લેના પુરવઠામાં વિક્ષેપ પડવાની શક્યતા છે. જે મોરબીમાં ઉત્પાદનને પ્રભાવિત કરી શકે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ ફાટી નીકળતા મોરબીના સિરામીક ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. આગામી તા. 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રશિયામાં મોસ્ક બિલ્ડ નામનું એક એક્ઝિબિશનનું આયોજન કરાયુ હતું. હવે એમાં જવા અંગે પણ હવે અનિશ્ચિતતા સર્જાઇ છે. મોરબી માટે રશિયા નવી અને સારી માર્કેટ છે. બે વર્ષથી સતત ત્યાં માર્કેટીંગના પ્રયત્નો થઇ રહ્યા છે અને નિકાસ પણ થોડાં પ્રમાણમાં શરૂ થઇ છે.માર્કેટનો વિસ્તાર વધારવા માટે ત્યાંના એક્ઝિબિશનમાં મોરબીથી આશરે 25થી 30 ઉદ્યોગકારોએ સ્ટોલ રાખીને ભાગ લીધો છે. એ ઉપરાંત આશરે 200 લોકો વિઝીટ માટે જવાના છે. જોકે હવે ત્યાંની હાલની સ્થિતિ જોતા ત્યાં જવું કે કેમ એ મુદ્દે દ્વીધા સર્જાઇ છે. ત્યાં સુધીમાં સ્થિતિ થાળે પડી જાય તો તકલીફ નહીં પડે પણ અત્યારે તો બધાને અનિશ્ચિતતા દેખાવા લાગી છે.