Site icon Revoi.in

રશિયા-યુક્રેન યુદ્ધઃ ઝેલેન્સકી અને પીએમ મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ

Social Share

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ ભારત દ્વારા બંને દેશના રાષ્ટ્રપતિઓને અનેકવાર યુદ્ધનો માર્ગ છોડીને શાંતિથી વાતચીતથી સમસ્યાનો ઉકેલ લેવા અપીલ કરાઈ છે. જ્યારે અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધો લગાવ્યાં છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સકી અને પીએમ મોદીએ આજે ફોન પર વાતચીત કરી હતી. આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. વ્લોદિમિર ઝેલેન્સકીએ માનવતાવાદી સહાય અને સમર્થન માટે પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો.

ઝેલેન્સ્કીએ પીએમ મોદીએ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત અંગે જાણકારી આપતા ટ્વિટ્ કર્યું હતું કે- “મેં PM નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને G20ના સફળ પ્રમુખપદને લઈને શુભેચ્છા પાઠવી. આ મંચ પર મેં શાંતિ ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી અને હવે હું તેને લાગુ કરવા માટે તૈયાર છું. “હું ભારતની ભાગીદારી પર વિશ્વાસ કરું છું.” યુક્રેનના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રમાં માનવતાવાદી સહાય અને સમર્થન માટે પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો.

વ્લોદિમિર ઝેલેન્સકીએ ટ્વિટમાં ઉમેર્યું હતું કે, “સંયુક્ત રાષ્ટ્રમાં માનવતાવાદી સહાય અને સમર્થન માટે મેં તેમનો પણ આભાર માન્યો.” અગાઉ આ વર્ષની શરૂઆતમાં ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. મોદી-ઝેલેન્સ્કી વાતચીત પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું ક, નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને દુશ્મનાવટનો જલ્દી અંત લાવવા અને વાતચીત અને કૂટનીતિના માર્ગે આગળ વધવાની વાત કરી હતી.

યુક્રેન અને રશિયા વચ્ચે લગભગ 6 મહિનાથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના કેટલાક વિસ્તારમાં રશિયાએ કબજો જમાવ્યો છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકા સહિતના દેશો પાસે સતત મદદની માંગી રહ્યાં છે. ભારતે બંને દેશોને શાંતિતી બેસીને સમસ્યાનો નિકાલ લાવવાનું અનેકવાર સુચન કરીને પોતાનું સ્ટેન્ડ જાહેર કર્યું હતું. બીજી તરફ પાકિસ્તાન અને ચીન જેવા દેશોએ રશિયાને સમર્થન આપ્યું હતું. બીજી તરફ અમેરિકા અને યુકે સહિતના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો.