UNSCમાં યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીની નિંદા કરતા પ્રસ્તાવમાં રશિયાએ વીટો પાવરનો કર્યો ઉપયોગ
- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 11 સભ્યોએ ઠરાવની તરફેણમાં કર્યું મતદાન
- ભારત, ચીન અને યુએઈ મતદાનથી રહ્યાં દૂર
- ભારતે હુમલાની નિંદા કરી વાતચીતથી ઉકેલ શોધવા કરી અપીલ
નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયન હુમલા સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ચર્ચા દરમિયાન યુક્રેન સામે રશિયાએ કરેલી કામગીરીની નિંદા કરતા પ્રસ્તાવ ઉપર રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસ્તાવમાં રશિયાની કાર્યવાહીની નિંદા કરવાની સાથે સૈન્યને તાત્કાલિક પરત બોલાવવાની માંગણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન મુદ્દે રશિયા વીટો પાવરનો ઉપયોગ કરશે તેવી પહેલાથી શકયતાઓ વ્યક્ત થતી હતી.
યુએનએસસીના 15 સભ્યોમાંથી 11 સભ્યોએ રશિયા વિરુદ્ધના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જેને સંયુક્ત રાષ્ટ્ર અને અલ્બાનિયા દ્વારા સહ-લિખિત કરવામાં આવ્યો હતો. જ્યારે ચીન, ભારત અને યુએઇ મતદાનથી દૂર રહ્યા હતા. ભારતે યુક્રેન પર હુમલાની નિંદા કરી હતી અને વાતચીત દ્વારા ઉકેલ શોધવાનો આગ્રહ કર્યો છે. આ બેઠકમાં ભારતના વલણ ઉપર પહેલાથી દુનિયાના તમામ દેશોની નજર મંડાયેલી હતી. કાઉન્સિલના કાયમી સભ્ય તરીકે મોસ્કોના વીટો પાવરને કારણે રશિયા સામેનો ઠરાવ નિષ્ફળ રહ્યો હતો. તેમ છતાં સુરક્ષા પરિષદની ચર્ચામાં યુક્રેન પર હુમલો કરવાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિર્ણયની નિંદા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે મતદાન બાદ કહ્યું, ” રશિયા તમે આ ઠરાવ અંગે વીટોનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમે અમારા અવાજને વીટો કરી શકતા નથી. તમે સચ્ચાઈનમાં વીટોનો ઉપયોગ કરી શકતા નથી, તમે અમારા સિદ્ધાંતોમાં વીટોનો ઉપયોગ નથી કરી શકતા, તમે યુક્રેની લોકો માટે વીટોનો ઉપયોગ નથી કરી શકતા.” મતદાન પહેલાં, થોમસ-ગ્રીનફિલ્ડે કહ્યું હતું કે યુક્રેન પરનો રશિયન હુમલો અમારી આંતરરાષ્ટ્રીય પ્રણાલી માટે મોટો ખતરો છે.