રશિયા 2021માં 200 જેટલી મિસાઈલનું કરશે પરિક્ષણ
દિલ્હીઃ અમેરિકા અને નાટોના યુરોપિય દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ એલાન કર્યુ છે કે તે 2021ના વર્ષમાં 200 મિસાઇલનું પરીક્ષણ કરશે. રશિયાની અત્યંત ઘાતક ‘સતાન 2’ હાઇપરસોનિક અંતરમહાદ્વિપિય મિસાઇલ બનીને તૈયાર થવાની છે. તેવા સમયે આ એલાન કરવામાં આવ્યું છે. રશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ નેતૃત્વમાં મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવશે. ગયા વર્ષે પણ રશિયાએ લગભગ 200 મિસાઇલોનું પરીક્ષણ કર્યુ છે.
રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર 2021ના વર્ષમાં સ્ટ્રેટજિક મિસાઇલ ફોર્સ વિવિધ સ્તરો પર 200 અભ્યાસ કરશે. જેમાં મિસાઇલ રેજિમેન્ટ અને મિસાઇલ ડિવિજનના રણનીતિક નિષ્ણાંતો પણ સામેલ થશે. અભ્યાસ દરમિયાન ગતિવિધિઓની આક્રમકતામાં બદલાવ જોવા મળશે. રશિયા વર્તમાન સમયે પોતાની આરએસ 28 સરમત મિસાઇલને ફ્લાઇટ ટ્રાયલ માટે તૈયાર કરી રહ્યું છે. આ મિસાઇલ કોઇ પણ એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરવા માટે સક્ષમ છે. અમેરિકી રિપોર્ટ પ્રમાણે આ મિસાઇલ 2 હજારથી લઇને 18 હજાર કિમી સુધીની પહોંચ ધરાવે છે.
આ મિસાઇલના એક જ પ્રહારથી આખા ફ્રાંસનો વિનાશ થઇ શકે છે. આરએસ 18 મિસાઇલ પોતાની સાથે એક વિશાળ થર્મોન્યુક્લિયર બોમ્બ અથવા તો 16 નાના પરમાણુ બોમ્બ લઇ જઇ શકે છે. સાથે જ આ મિસાઇલની ખાસ વાત એ પણ છે કે તેનો પ્રત્યેક વોરહેડ અલગ અલગ લક્ષ્ય પર વાર કરી શકે છે.