- રશિયામાં દારૂ નિયંત્રણ નીતિ સફળ
- પુતિનનું ખેલપ્રેમી હોવું પણ એક કારણ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે, રશિયામાં 2004થી 2019 વચ્ચે દારૂના સેવનમાં 43 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ પ્રમાણે, લાંબા સમય સુધી રશિયા દુનિયામાં સૌથી વધુ દારૂ પીનારા લોકોના દેશોમાં સામેલ હતું. 1990માં થનારા આકસ્મિક મોતોમાં દારૂ પણ એક મોટું કારણ ગણાતું હતું. જો કે તાજેતરના વર્ષોમાં આ ટ્રેન્ડ બદલાય ગયો છે. રિપોર્ટ પ્રમાણે, રશિયામાં દારૂથી થનારી બીમારીઓને ઓછી કરવા માટે બનાવવામાં આવેલી દારૂ નિયંત્રણ નીતિ આમા એક મોટું કારણ છે.
બીજું કારણ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિનનું ખેલપ્રેમી હોવાનુ પણ છે. પુતિનના સત્તા સંભાળ્યા બાદથી રશિયામાં રમત-ગમતને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. પુતિને લોકોને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરીત પણ કર્યા છે. આ પરિવર્તનોને કારણે રશિયામાં સરેરાશ વયમાં વધારો થયો છે. 1990માં આ સરેરાશ વય 57 વર્ષની હતી. 2018માં આ સરેરાશ ઉંમર પુરુષો માટે 68 અને મહિલાઓ માટે 78 વર્ષની થઈ છે.
રશિયાએ દારૂની ખપતને ઓછી કરવા માટે ઘણાં મોટા પગલા ઉઠાવ્યા છે. દારૂ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. 2003માં વોડકાની લઘુત્તમ કિંમત નક્કી કરી દેવામાં આવી અને તેને ધીરેધીરે વધારવામાં આવી. આ સિવાય રશિયામાં રાત્રે 11 વાગ્યા બાદ દારૂના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી. કેટલાક વિસ્તારોમાં દારૂબંધી પણ લાગુ કરી દેવાય છે. તેની સાથે જ રમત-ગમતોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. રિસર્ચ પ્રમાણે, દારૂના સેવનમાં ઘટાડાનું એક કારણ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા દારૂને પીવામાં ઘટાડો થવો પણ છે.
ડબલ્યૂએચઓના કેરિના ફેરિરા બોરગેસનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે બનાવાયેલા અથવા લાવવામાં આવેલા દારૂમાં ઘટાડાને કારણે સરકારની નવી દારૂ નિયંત્રણ નીતિઓ છે. પરિણામ જણાવે છે કે સારી રીતે નિરીક્ષણ કરી, કિંમતો વધારી અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક નિશ્ચિત પ્રમાણમાં જ દારૂ આપવો પણ દારૂના સેવનમાં ઘટાડો લાવી શકે છે. મને ભરોસો છે કે યુરોપ અને અન્ય દેશો પણ આવા પ્રકારની નીતિઓને અપનાવશે.
આના પહેલા ડબલ્યૂએચઓનું કહેવું હતું કે રશિયાના પુખ્તવયના લોકો ફ્રાંસ અને જર્મનીના પુખ્તવયના લોકોની સરખામણીએ ઓછો દારૂ પીવે છે. રશિયાએ હાલ ધૂમ્રપાનમાં પણ ઘટાડો કરવા માટે પગલા ઉઠાવવાના શરૂ કર્યા છે. 1 ઓક્ટોબરથી અંગત બાલ્કનીમાં પણ ધૂમ્રપાન પર રોક લગાવી દેવામાં આવી છે. આ રોકનું કારણ સિગરેટને કારણે બાલ્કનીમાં લાગનારી આગ હોવાનું જણાવવામાં આવે છે. 2019માં અત્યાર સુધી બાલ્કનીમાં સિગરેટને કારણે આગ લાગવાની 2000થી પણ વધારે ઘટનાઓ સામે આવી ચુકી છે. તેને ધ્યાનમાં રાખતા સરકારે આ રોક લગાવી છે.