Site icon Revoi.in

રશિયન રાજદૂત ડેનિસ અલીપોવએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની લીધી શુભેચ્છા મુલાકાત

Social Share

ગાંધીનગરઃ રશિયન ફેડરેશન – રુસી સંઘના ભારત ખાતેના રાજદૂત શ્રીયુત ડેનિસ અલીપોવએ સોમવારે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાત લીધી હતી. ભારતના જૂના અને ઘનિષ્ઠ મિત્રદેશના રાજદૂતને રાજ્યપાલએ ઉષ્માપૂર્વક આવકાર્યા હતા અને ભારત-રશિયા વચ્ચે પ્રેમ અને મૈત્રી આમ જ લાંબાગાળાની બની રહે તથા પરસ્પર વિકાસ માટે સહયોગ વધુ સુદ્રઢ થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ભારતને પોતાની કર્મભૂમિ અને બીજી માતૃભૂમિ માનતા રશિયન ફેડરેશનના રાજદૂત શ્રીયુત ડેનિસ અલીપોવે કહ્યું હતું કે, ભારત અને ખાસ કરીને ગુજરાતના સર્વાંગી વિકાસના તેઓ સાક્ષી રહ્યા છે. આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તેઓ સક્રિયતાથી ભાગ લઈને હીરા ઉદ્યોગ, પેટ્રોલ કેમિકલ્સ અને પ્લાસ્ટિક-રબર ઉદ્યોગમાં ગુજરાત સાથે ભાગીદારી કરશે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને ભારતીયોમાં સ્વાભિમાનની લાગણી બળવત્તર બની રહી છે. આઝાદીના 100 વર્ષે; વર્ષ-2047માં ભારત વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં દેશ આગળ વધી રહ્યો છે. પ્રત્યુતરમાં રશિયાના રાજદૂત શ્રીયુત ડેનિસ અલીપોવે કહ્યું હતું કે, ભારત અત્યારે જ વિકસિત રાષ્ટ્ર છે એમ તેઓ માને છે. જે રીતે ભારતે G-20 નું નેતૃત્વ કર્યું અને જે રીતે ભારતની પ્રગતિ થઈ રહી છે તે જોતાં ભારત ભવિષ્યમાં સુપર પાવર હશે. રશિયા પણ ભારતનો ઉત્કર્ષ ઈચ્છે છે અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને એવી ઈચ્છા રાખે છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગ્લોબલ વૉર્મિંગ એ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખેતી 24% જવાબદાર છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ્સના અંધાધૂંધ ઉપયોગથી અસાધ્ય જીવલેણ રોગો વધ્યા છે. આ તમામ સમસ્યાઓનું એકમાત્ર સમાધાન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે. તેમણે પોતાનું લખેલું પુસ્તક ‘નેચરલ ફાર્મિંગ’ પણ રશિયન સંઘના એમ્બેસેડરને અર્પણ કર્યું હતું. શ્રીયુત ડેનિસ અલીપોવે કહ્યું હતું કે, રશિયા પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે. સંશોધનોનો પણ અભ્યાસ કરશે અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે ગંભીરતાથી વિચારશે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એક એવું ક્ષેત્ર છે જેમાં અન્ય દેશોએ ભારત પાસેથી શીખવા જેવું છે. ભારત પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ વિશ્વનું માર્ગદર્શન કરી શકે તેમ છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પણ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ સાચા અર્થમાં વિશ્વકલ્યાણનો માર્ગ છે.