Site icon Revoi.in

યુક્રેન ઉપર રશિયન સેનાએ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યાનો દાવો

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે લગભગ 45 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્ય યુક્રેનના વિવિધ શહેરો ઉપર બોમ્બથી સતત હુમલા કરી રહ્યું છે. દરમિયાન રશિયન સેનાએ કેટલાક સ્થળો ઉપર ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યો હોવાનો યુક્રેને આક્ષેપ કર્યો છે. યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં 1500થી વધારે રશિયન જવાનો શહીદ થવાનો યુક્રેને દાવો કર્યો છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. લગભગ 6 અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઘણા લોકો અને સૈનિકોના મોત થયા છે. ઉપરાંત, યુક્રેનના ઘણા શહેરો ખંડેરમાં ફેરવાઈ ચુક્યાં છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી આરોપ લગાવ્યો છે કે રશિયા કેમિકલ હુમલા કરી શકે છે. આ દરમિયાન યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સેનાએ કેટલીક જગ્યાએ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યો છે.

યુક્રેનના અધિકારીઓનો આરોપ છે કે, રશિયન સૈનિકોએ ઝાપોરિઝિયા વિસ્તારમાં ફોસ્ફરસ બોમ્બ ફેંક્યા હતા. આ પહેલા પણ યુક્રેન તરફથી આ પ્રકારના આરોપો લાગ્યા છે. તે જ સમયે, રશિયાનું કહેવું છે કે તે આવા હથિયારોનો ઉપયોગ કરી રહ્યું નથી, માત્ર સૈન્ય મથકો પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે યુદ્ધમાં માર્યા ગયેલા લગભગ 1500 રશિયન સૈનિકોના મૃતદેહ યુક્રેનના દિનપ્રો શહેરના મોર્ગમાં રાખવામાં આવ્યા છે. તમામ વાટાઘાટોના દાવા વચ્ચે રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનના ખાર્કિવમાં રશિયન બોમ્બ ધડાકા દરમિયાન 7 લોકોના મોત થયા છે.