યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. જો કે, આ યુદ્ધને લઈને ભારતના સ્ટેન્ડ ઉપર દુનિયાના તમામ દેશોની નજર મંડાયેલી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે લંબાણપૂર્વકની ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંસાને સમાપ્ત કરવા અપીલ કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભરોસો આપ્યો હતો.
રિપોર્ટ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાત કરી હતી. યુક્રેન પર હુમલા બાદ અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના તમામ દેશોએ રશિયાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ અનેક દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વર્ષો જૂના મિત્ર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે 25 મિનિટ લાંબી વાતચીત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતચીત દરમિયાન ભારતની પરેશાનીઓથી પુતિનને વાકેફ કર્યાં હતા. તેમજ રશિયા અને નાટો જૂથ વચ્ચેના મતભેદો માત્ર વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંસાને તાત્કાલિક સમાપ્ત કરવા માટે પણ અપીલ કરી હતી. તેમણે રાજદ્વારી સંવાદ અને વાતચીતના માર્ગ ઉપર પરત ફરવા માટે તમામ પક્ષોને પ્રયાસ કરવાનું આહવાન પણ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, યુક્રેનમાં ભારતીય નાગરિકો અને ખાસ વિદ્યાર્થીઓની ભારતને ચિંતા છે. તેમજ સુરક્ષિત પરત લાવવાની પ્રાથમિકતા છે.
રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેનના સંદર્ભમાં તાજેતરના ઘટનાક્રમ અંગે જાણકારી આપી હતી. તેમજ કેમ યુક્રેન ઉપર હુમલો કરવો પડ્યો તેની પણ નરેન્દ્ર મોદીને કહ્યું હતું. પુતિને પીએમ મોદીને કહ્યું કે કિવ સ્થિત સરકારે ડોનબાસના સામાન્ય નાગરિકો વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરી. મિન્સ્ક કરારનું પણ ઉલ્લંઘન થયું હતું. તેમજ યુક્રેનમાં અમેરિકા અને નાટોની મદદથી ચાલી રહેલી વ્યૂહાત્મક ગતિવિધિઓને કારણે રશિયાએ સૈન્ય કાર્યવાહીનો નિર્ણય લેવો પડ્યો હતો. જો કે, વાતચીત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત બહાર નીકાળવાનો ભરોસો આપ્યો હતો. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સંમત થયા છે કે તેમના અધિકારીઓ અને રાજદ્વારી ટીમો સ્થાનિક હિતના મુદ્દાઓ પર નિયમિત સંપર્ક જાળવી રાખશે.