રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને કર્યો ફોન,યુક્રેન સાથે યુદ્ધ ન ખતમ કરવાનું કારણ જણાવ્યું
દિલ્હી :રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. પીએમ મોદીએ શાંતિ અને વ્યવસ્થા જાળવવા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે રશિયાના નેતૃત્વમાં લેવાયેલા પગલાંને સમર્થન આપ્યું હતું.
આ વાતચીત દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયાની વર્તમાન સ્થિતિ અને નવીનતમ ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે યુક્રેન કોઈપણ પ્રકારની સમજૂતી માટે રાજકીય અને રાજદ્વારી પગલાં લેવાનો ઈન્કાર કરી રહ્યું છે. આ દરમિયાન મોદીએ ‘સંવાદ’ અને ‘કુટનીતિ’ની તેમની નીતિ પર ભાર મૂક્યો હતો.
બંને નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ 24 જૂને રશિયામાં વેગનર આર્મીના વિદ્રોહ અને તખ્તાપલટના પ્રયાસના સંબંધમાં રાષ્ટ્રપતિ પુતિનનું સમર્થન કર્યું હતું. તેમણે રશિયામાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા પુતિનના નેતૃત્વમાં લેવાયેલા પગલાંને પણ સમર્થન આપ્યું હતું.
બંને વિશ્વ નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે દ્વિપક્ષીય સહયોગના મુદ્દા પર ભાર મૂક્યો હતો. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) અને G-20 પર પણ ચર્ચા થઈ હતી.
રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને યુક્રેન યુદ્ધની વર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કર્યા. તેમણે કહ્યું કે યુક્રેન આ યુદ્ધના ઉકેલ માટે કોઈપણ પ્રકારના રાજકીય અને રાજદ્વારી પગલાં લેવાનો ઈન્કાર કરી રહ્યું છે. પુતિન અને મોદીએ ભારત-રશિયા સંબંધોને આગલા સ્તર પર લઈ જવા અને તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા સતત સંપર્કમાં રહેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.