નવી દિલ્હીઃ યુક્રેન સામે બે મહિના પહેલા રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. હજુ પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ અમેરિકા અને યુકે સહિત અનેક દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ લગાવ્યાં છે. યુદ્ધના બે મહિના બાદ પ્રતિબંધ ફરમાવનાર દેશ સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતીને એક્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ સપ્લાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બંને દેશ સહિત દુનિયાના અનેક દેશો રશિયા પાસેથી જ ગેસની ખરીદી કરે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન ગેસ કંપની ગેઝપ્રોમે પોલેન્ડ અને બલ્ગેરિયાને કહ્યું હતું કે, બંને દેશોને હવે ગેસ સપ્લાય નહીં કરાય. આ નિર્ણય બાદ યમલ-યુરોપ પાઈપલાઈન દ્વારા પોલેન્ડને ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતી. આવી જ માહિતી બલ્ગેરિયાને પણ આપવામાં આવી છે. બલ્ગેરિયાના ઉર્જા મંત્રાલયે કહ્યું કે બુધવારથી તુર્કસ્ટ્રીમ પાઈપલાઈન દ્વારા બલ્ગેરિયામાં રશિયન ગેસનો પુરવઠો બંધ થઈ જશે. યુરોપિયન દેશો ગેસ માટે મોટાભાગે રશિયા પર નિર્ભર છે. રશિયા પાસેથી 40 ટકા ગેસ ખરીદવામાં આવે છે.
યુદ્ધના બે મહિના પછી પણ યુરોપના દેશો રશિયા પાસેથી ગેસ આયાત કરી રહ્યા હતા. બદલામાં, યુરોપિયન દેશો 60 ટકા રકમ યુરોમાં અને બાકીની રકમ ડોલરમાં ચૂકવતા હતા. રશિયા પર ઘણા આર્થિક પ્રતિબંધો છે. આવી સ્થિતિમાં પુતિને આ દેશોની સામે ડોલરને બદલે રૂબલમાં પેમેન્ટ કરવાની શરત મૂકી હતી, પરંતુ યુરોપિયન દેશોએ રૂબલમાં ડીલ કરવાની ના પાડી દીધી. આ પછી રશિયાએ સપ્લાય બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પોલેન્ડ સરકારે જણાવ્યું હતું કે, તેની પાસે હાલમાં 76 ટકા ગેસ સ્ટોરેજ છે. આવી સ્થિતિમાં, રશિયન સપ્લાય બંધ કર્યા પછી પણ, થોડા દિવસો સુધી કોઈ સમસ્યા નહીં આવે. ત્યાં સુધી સરકાર વધુ વિકલ્પો શોધી રહી છે. જો કે, બીજો વિકલ્પ શોધવાનું એટલું સરળ રહેશે નહીં. કારણ કે અન્ય દેશો પહેલાથી જ અમુક દેશને નિશ્ચિત ક્વોટા સપ્લાય કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અચાનક નવો ઓર્ડર પૂરો કરવો એટલું સરળ નહીં હોય. રશિયાના આ નિર્ણય પછી, બલ્ગેરિયાનું કહેવું છે કે તેણે વૈકલ્પિક ગેસ સપ્લાય શોધવાનું કામ શરૂ કરી દીધું છે. અત્યારે થોડો સ્ટોક છે.