યુક્રેનના અનેક શહેરોમાં પ્રવેશી રશિયન સેના, 18થી 60 વર્ષના પુરુષોના દેશ છોડવા ઉપર પ્રતિબંધ
નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાના હુમલાનો આજે બીજો દિવસ છે. રશિયન સૈનિક હવે યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરોમાં પ્રવેશી ચુક્યાં છે. રશિયન સૈન્ય હવે સૂમી શહેર તરફ આગળ વધી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં યુક્રેનના 137 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કીએ કહ્યું છે કે, વહેલા કે મોડા રશિયાએ અમારી સાથે વાત કરવી જ પડશે. જેટલી જલ્દી વાતચીત શરૂ થશે એટલું ઓછુ નુકશાન થશે. દરમિયાન યુક્રેન સરકારે પુરુષોના દેશ છોડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે. જેથી 18થી 60 વર્ષના પુરુષો યુક્રેન છોડી શકશે નહીં.
તેમણે કહ્યું છે કે, દુશ્મની ખતમ કરવા માટે વહેલા કે મોડા રશિયા-યુક્રેન વચ્ચે વાતચીત શરૂ થશે. રશિયાએ અમારી સાથે વાત કરવી જ પડશે. રશિયાને અમે કહેવા માંગીએ છીએ કે, દુશ્મની કેવી રીતે ખતમ થશે અને આક્રમણ કેવી રીતે રોકી શકાય, જેટલી ઝડપથી વાતચીત શરૂ થશે એટલું ઓછુ નુકસાન થશે. યુક્રેનના સાંસદોના એક ગ્રુપે પણ રાષ્ટ્રપતિ જેલેસ્કીને મોસ્કો સાથે વાતચીત કરવા અપીલ કરી હતી. સાત સાંસદો રાષ્ટ્રપતિને મળ્યાં હતા. રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ ભાવુક ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, આજે સવારથી જ અમારા દેશને અમે એકલા બચાવી રહ્યાં છે. કાલની જેમ દુનિયાનના શક્તિશાળી દેશો દુરથી બધુ જોઈ રહ્યાં છે. શું કાલે લગાવાયેલા પ્રતિબંધોથી રશિયા રોકાયું તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. અમને અમારા આકાશ અને જમીન ઉપર દેખાય છે આ પ્રતિબંધ પુરતી કાર્યવાહી યોગ્ય નથી.
રશિયાના હુમલા વચ્ચે યુક્રેનની સેનાએ કીવમાં રશિયાની સેનાને આવતા અટકાવવા માટે એક પુલ પણ ઉડાવ્યો હતો. જો કે, તે પહેલા જ કેટલાક સૈનિકો કીવમાં પ્રવેશી ચુક્યાં છે. કીવમાં આજે સવારથી મિસાઈલ એટેક કરવામાં આવ્યો છે. દરમિયાન યુક્રેનની સેનાએ રશિયાના એક વિમાનને તીડી પાડ્યું હતું. આ વિમાનનો કાટમાળ એક ઈમારત ઉપર આવીને પડ્યો હતો. જેથી ત્યાં આગ લાગી હતી. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશના નાગરિકોને સાવધાન રહેવા અપીલ કરી હતી.