નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે એક ઘટનાને યાદ કરી કેવી રીતે પીએમ મોદીએ યુક્રેન યુદ્ધની શરૂઆત પછી તરત જ પુતિન અને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓને ફોન કરીને ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત પરત ફરવાની ખાતરી માંગી હતી. આ વર્ષની શરૂઆતમાં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ આ વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા હતા.
ગુજરાતના સુરતમાં એક કાર્યક્રમમાં બોલતા જયશંકરે જણાવ્યું હતું કે, “અમારા વિદ્યાર્થીઓ યુક્રેનના સુમી અને ખાર્કિવમાં ફસાયા હતા. તે જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન અને ઝેલેન્સકીને ફોન કરીને કહ્યું હતું કે, અમારા બાળકો ફસાયા છે… (પીએમ મોદીના ફોનથી) સામેથી ખાતરી મળી કે વિદ્યાર્થીઓના નિકળવાને સમય દરમિયાન કોઈ ગોળીબાર નહીં થાય. આ રીતે અમે અમારા બાળકોને બહાર કાઢવામાં સફળ થયા.”
રશિયાએ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓપરેશન ગંગા હેઠળ, ભારતે 22,500 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા હતા, જેમાંથી મોટાભાગના યુક્રેનની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા. જયશંકરે જણાવ્યું હતું કે કોવિડ-19, આબોહવા પરિવર્તન અને રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે અનિશ્ચિત વૈશ્વિક પરિદ્રશ્ય હોવા છતાં, ભારત સમગ્ર વિશ્વમાં મજબૂત બિઝનેસ સેન્ટિમેન્ટ પ્રદર્શિત કરવામાં સફળ રહ્યું છે.