એસ.જયશંકરે કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી સાથે કરી મુલાકાત, રોકાણ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર થઈ ચર્ચા
દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે તેમના કેનેડિયન સમકક્ષ મેલાની જોલી સાથે વેપાર અને રોકાણ સહિતના વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.મેલાની જોલી બે દિવસ ભારત મુલાકાતે છે. જયશંકરે મંત્રણા પહેલા ટ્વીટ કર્યું, “કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીનું આજે હૈદરાબાદ હાઉસમાં સ્વાગત છે.રચનાત્મક ચર્ચા માટે ઉત્સાહિત છું.
અહીં એક થિંક-ટેંકમાં આપેલા ભાષણમાં જોલીએ કહ્યું કે,ભારતનું વ્યૂહાત્મક, આર્થિક અને વસ્તી વિષયક મહત્વ વધતું હોવાથી તેને ઈન્ડો-પેસિફિકમાં કેનેડા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર બનાવે છે.જોલી ભારતમાં કાર્યરત અનેક કેનેડિયન કંપનીઓના એક્ઝિક્યુટિવ્સને પણ મળ્યા હતા.બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા ઉપરાંત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના આક્રમક વર્તનને લઈને વૈશ્વિક ચિંતામાં વધારો થવાના પગલે આ બેઠકમાં આ ક્ષેત્રમાં સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની પણ અપેક્ષા છે.
નવેમ્બરમાં, કેનેડાએ ઈન્ડો-પેસિફિક માટે એક વ્યાપક વ્યૂહરચના ઘડી હતી જેનો હેતુ આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો હતો.કેનેડાની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના ભારતને આ ક્ષેત્રમાં મુખ્ય દેશ તરીકે સૂચિબદ્ધ કરે છે અને જણાવ્યું હતું કે,કેનેડા નવી દિલ્હી સાથે આર્થિક સંબંધો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.