દિલ્હી: ભારતની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટ યોજાવા જઈ રહી છે. આમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભાગ નહીં લે. G-20 સમિટમાં આ બંને નેતાઓની બિન-ભાગીદારી પર ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે.જયશંકરે કહ્યું, મને લાગે છે કે G20માં અલગ-અલગ સમયે કેટલાક રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન રહ્યા છે, જેમણે કોઈ કારણોસર ન આવવાનો નિર્ણય લીધો છે. પરંતુ તે પ્રસંગે જે તે દેશનો પ્રતિનિધિ હોય તે પોતાના દેશ અને તેની સ્થિતિને આગળ રાખે છે. મને લાગે છે કે દરેક તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે
વાસ્તવમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લેશે નહીં. તેમના સ્થાને, ચીનના પીએમ લી કિઆંગ નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરની બેઠકમાં બેઇજિંગનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ ભારત નથી આવી રહ્યા અને તેના બદલે વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ જી-20 સમિટમાં ભાગ લેશે.
જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગને શી જિનપિંગના ભારત ન આવવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ચીનના વડાપ્રધાન લી ચિયાંગ ભારતમાં યોજાનારી જી-20 સંમેલનમાં દેશનું નેતૃત્વ કરશે. G-20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. ચીન માટે આ સંમેલનના કાર્યક્રમોમાં ભાગ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લી ચિયાંગ આ G-20 સમિટમાં ચીનનો પક્ષ અને પ્રસ્તાવ રજૂ કરશે. અમારો ઉદ્દેશ્ય સમૂહના દેશો વચ્ચે સહકાર જાળવી રાખવાનો અને વૈશ્વિક આર્થિક અને વિકાસ સંબંધિત પડકારોનો સાથે મળીને સામનો કરવાનો છે. અમે તમામ પક્ષો સાથે મળીને G-20ને સફળ બનાવવા માટે તૈયાર છીએ જેથી વૈશ્વિક અર્થવ્યવસ્થા જલ્દી સુધરે.જોકે તેમણે શી જિનપિંગ ભારત ન આવવા પાછળનું કારણ જણાવ્યું નથી.
યુએસ પ્રમુખ જો બાઈડેન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બનીઝ, જર્મન ચાન્સેલર આલ્ફ સ્કોલ્ઝ, યુકેના વડા પ્રધાન ઋષિ સુનક, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનૈસિયો લુલા ડી સિલ્વા સહિત ઘણા જી-20 નેતાઓ સમિટમાં ભાગ લેશે.