શું ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરની 10મી જુલાઈએ લંડનમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી સાથે મુલાકાત થશે? સૂત્રોનું કહેવું છે કે બંને દેશોની વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક પ્રસ્તાવિત નથી, પરંતુ અનૌપચારીક વાતચીતની શક્યતાને નકારી શકાય તેમ નથી.
જયશંકરને 10મી જુલાઈએ લંડનમાં કોમનવેલ્થ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવાનો છે. આ બેઠકમાં 53 દેશો ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે જયશંકર વિભિન્ન દેશોના વિદેશ પ્રધાનો સાથે અલગથી બઠકો કરશે.
કોમનવેલ્થ દેશોમાં પાકિસ્તાન પણ સામેલ છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી પણ આ પ્રસંગે લંડન પહોંચી રહ્યા છે.
સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક પ્રસ્તાવિત કરવામાં આવી નથી. પરંતુ જયશંકર અને કુરૈશી વચ્ચે અનૌપચારીક, ઓફ- ધ- કટ વાતચીતની શક્યતાથી ઈન્કાર કરી શકાય નહીં.
સૂત્રોનું કહેવું છે કે બંને વિદેશ પ્રધાનો વચ્ચે અભિવાદનના નાતે આપોઆપ વાતચીતની સંભાવનાથી પણ ઈન્કાર કરી શકાય નહીં. પરંતુ આગળ વધવા માટે પાકિસ્તાન તરફથી આંતકવાદીઓ અને તેમના નેટવર્ક્સ વિરુદ્ધ પુષ્ટિ યોગ્ય અને પલીટ શકાય નહીં તેવા પગલા ઉઠતા દેખાવા જરૂરી છે.
ભારત પોતાની આ નીતિ પર કાયમ છે કે વાતચીત અને આતંકવાદ બંને સાથેસાથે ચાલી શકે નહીં.
ગત સપ્તાહે પોતાના સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ એક સવાલના જવાબમાં સ્પષ્ટતા કરી હતી કે કોમનવેલ્થ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકવાળા દિવસે અલગથી જયશંકર અને કુરૈશીની વચ્ચે કોઈ બેઠક પ્રસ્તાવિત નથી. કોમનવેલ્થમાં 53 દેશો સામેલ છે. આ એવા દેશો છે કે જેના પર ક્યારેક બ્રિટિશ હુકૂમતની કોલોની રહી ચુકી છે.