અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં રીંછ -દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા ૨૦૧૬ની સરખામણીએ વધી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, જરખ, શિયાળ સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. ગત વર્ષે કોરોનાને લઈને ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. બાદમાં ચાલુ વર્ષે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં 30 રીંછ, 26 દીપડા સહીત 714 અન્ય વન્ય પ્રાણીઓ નોંધાયા હતા. ગત 2016માં હાથ ધરાયેલ ગણતરીમાં 18 રીંછ, 10 દીપડા સહીત અન્ય 385 વન્ય પ્રાણીઓ નોધાયા હતા.
ચાલુ વર્ષે વન્ય પ્રાણીઓની ગણતરીમાં અલગ અલગ તાલુકાઓના આવેલા જંગલ વિસ્તારોમાં પોઈન્ટ ફાળવણી કરવામાં આવી હતી. જીલ્લાના જંગલ વિસ્તારમાં 136 પોઈન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં 141 ફોરેસ્ટ અધિકારીઓ સહીત કર્મચારીઓ અને 150 થી વધુ રોજમદારો ધ્વારા અલગ-અલગ પોઈન્ટ પર ત્રણ દિવસ ટીમ સાથે પર હાજર રહી ગણતરીમાં જોતરાયા હતા. પીવાના પાણીના સ્ત્રોત પાસે માંચડા અને અવાવરું જગ્યાએથી નિરીક્ષણ કરી પગલાની નિશાની, અવાજ, મળ અને નરી આંખે જોયેલ વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવતી હતી. બાદમાં અલગ અલગ પોઈન્ટની વિગતો મુખ્ય કચેરીએ મોકલ્યા બાદ વન્ય પ્રાણીઓની સંખ્યા નક્કી કરવામાં આવી હતી.