મહેસાણાઃ સાબરમતી-દોલતપુ ચૌક ટ્રેનને મહેસાણા, ઊંઝા, અને સિદ્ધપુર રેલવે સ્ટેશને બે-બે મિનિટનું સ્ટોપેજ આપવામાં આવતા હવે મહેસાણા પંથકના લોકોને હિમાચલ પ્રદેશ જવા માટે સીધી ટ્રેનનો લાભ મળશે. રેલવે વિભાગ દ્વારા મહેસાણા પંથકના લોકોને હિમાચલ પ્રદેશ જવા માટે સીધી ટ્રેનનો લાભ આપવામાં આવ્યો છે. સાબરમતી-દોલતપુર ચૌક ડેલી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા, ઊંઝા અને સિદ્ધપુર રેલવે સ્ટેશને 2-2 મિનિટ ઊભી રહેશે. અમદાવાદ પશ્ચિમ રેલવે ડિવિઝન દ્વારા ગત 5 એપ્રિલથી સાબરમતી-દોલતપુર ચૌક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાઇ છે. આ ટ્રેન મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર રેલવે સ્ટેશન સ્ટોપેજ કરશે
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ 19717 નંબરની સાબરમતી-દોલતપુર ચૌક ટ્રેન દરરોજ સવારે 9.45 કલાકે સાબરમતીથી ઉપડશે. જે સવારે 10.42 કલાકે મહેસાણા, 11.03 કલાકે ઊંઝા, 11.18 કલાકે સિદ્ધપુર અને 12.13 કલાકે પાલનપુર રેલવે સ્ટેશન પર આવશે. મહેસાણા, ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર 2-2 મિનિટ અને પાલનપુર સ્ટેશન પર 5 મિનિટ સ્ટોપેજ કરશે. દોલતપુર ચૌકથી પરત આવતી 19718 ટ્રેન બપોરે 12.33 કલાકે પાલનપુર, 1 કલાકે સિદ્ધપુર, 1.15 કલાકે ઊંઝા અને 1.35 કલાકે મહેસાણા સ્ટેશન પર આવશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચની વ્યવસ્થા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સાબરમતી-દોલતપુર ચૌક ટ્રેનને મહેસાણા, ઊંઝા અને સિદ્ધપુર સ્ટોપેજ આપવાની માગણી ઊઠી હતી. હિમાચલ પ્રદેશ ફરવા જવા માટે આ ટ્રેન સેવા સાનુકૂળ બની રહે તે માટે સ્ટોપોજ આપવાની માગણી કરવામાં આવી હતી. આખરે સાબરમતી-દોલતપુર ટ્રેનને મહેસાણા, ઊંઝા, અને સિદ્ધપુર રેલવે સ્ટેશને બે-બે મિનિટનું સ્ટોપેજ આપવામાં આવતા મહેસાણા વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી છે.