Site icon Revoi.in

સાબરમતી ગાંધી આશ્રમને પાચ એકર જમીન છોડીને બાકીની 55 એકરમાં રિ-ડેવલોપ કરાશે,

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે ગાંધી આશ્રમ સંદર્ભે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટ સંદર્ભે કરેલી અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો હતો. હાઈકોર્ટ દ્વારા મહત્વનું અવલોકન કરવામાં આવ્યું છે કે, પાંચ એકર જે ગાંધી આશ્રમની મુખ્ય જગ્યા છે તેને યથાવત પરિસ્થિતિમાં રાખવામાં આવશે. જ્યારે બાકીની 55 એકર જગ્યાને રિ-ડેવલોપ કરવાની મંજૂરી મળી ગઈ છે. આશ્રમ સાથે જોડાયેલા અલગ અલગ ટ્રસ્ટોને કઈ રીતે કામગીરી કરવામાં આવશે તે સંદર્ભે પણ એક પ્રશ્ન હતો તેનો પણ નિકાલ કરાયો છે. ગાંધી આશ્રમ રિ-ડેવલોપમેન્ટ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ગાંધીજીના સમયમાં જે રીતે આશ્રમની વ્યવસ્થા હતી તે જ વ્યવસ્થા ફરી ઉપસ્થિત થાય અને ગાંધી વિચારો અને ગાંધી જીવન વિશ્વ ફલક પર દેખાય તે માટેનો હોવાનો ઉલ્લેખ કોર્ટની દલીલ દરમિયાન થયો હતો.

ગુજરાત હાઇકોર્ટે નવેમ્બર 2021માં સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ સામેની અરજી ફગાવી હતી અને રિ-ડેવલપમેન્ટના રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જોકે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ,2022ની સુનાવણીમાં નોંધ્યું હતું કે, હાઇકોર્ટે રિટની સુનાવણી દરમિયાન સરકાર પાસેથી સોગંદનામા પર વિસ્તૃત જવાબ માંગવાની જગ્યાએ સંક્ષિપ્ત દલીલોના આધારે જ પીટિશન રદ કરી છે. જેથી પીટિશનની ફરી હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવે અને આ મુદ્દે જૂન માસમાં શરૂ થયેલી સુનાવણીનો ગુરૂવારે ચુકાદો આવ્યો હતો.

અગાઉ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર વતી કરવામાં આવેલા નિવેદન બાદ આ અરજીનો નિકાલ કર્યો હતો. બાદમાં આ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનાવણી ફરી ગુજરાત હાઇકોર્ટને બંને પક્ષે સાંભળી હુકમ કરવા નિર્દેશ આપ્યા હતા. શરૂઆતમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે ગાંધી આશ્રમના કોર એરિયામાં કોઇપણ પ્રકારનો બદલાવનું આયોજન ન હોવાનું નિવેદન કર્યું હતું, બાદમાં ખંડપીઠે અરજીનો નિકાલ કર્યો હતો, પછીથી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. અગાઉ સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં ગાંધીજીના મૂલ્યો અને તેમનાં વારસાને મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય એ દિશામાં સરકારના પ્રયાસ હોવાનુ કહેવામાં આવ્યું છે. આગામી પેઢીને ગાંધીજીના મૂલ્યો અને વારસા બાબતે અવગત થાય તે માટે આશ્રમ આસપાસનું ડેવલપમેન્ટ જરૂરી છે. ગાંધી આશ્રમનો કોર એરિયા બદલાશે નહીં. ગાંધી આશ્રમ આસપાસ કુલ 55 એકર જગ્યા પર ગાંધી આશ્રમ ડેવલપમેન્ટનું આયોજન હોવાનું જણાવ્યું હતું.