અમદાવાદઃ વર્ષ 2012માં અમદાવાદ ખાતે બ્રેઇલ પુસ્તકના વિમોચન ક્રાર્યકમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રઇ મોદીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ સમયે પ્રજાવત્સલ તથા સમાજના દરેક વર્ગના વ્યકિતની ચિંતા કરનારા તથા નવી વિચારધારા સાથે કામગીરી કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બ્રેઇલ પુસ્તકના સ્થાને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓડીયો પુસ્તક બનાવવાનો વિચાર સ્ફુર્યો ! આ વિચાર એ હતો કે, જો બ્રેઇલ પુસ્તકના સ્થાને કોઇપણ પુસ્તકની ઓડીયો આવૃત્તિ બનાવવામાં આવે તો પ્રજ્ઞાચક્ષુઓ માટે વધુ ઉપયોગી બની રહે…. આ ઓડીયો પુસ્તકની કામગીરીમાં જો જેલના કેદીઓને સામેલ કરવામાં આવે તો કેદીઓને વાંચનની સાથે જીવન જીવવાની નવી દિશા પણ મળી શકે….બસ, તત્કાલીન મુખ્યમંત્રીએ આ વિચાર કાર્યક્રમના આયોજકો સાથે વહેંચીને તે દિશામાં કામગીરી કરવા સુચન કર્યું હતું . અંતે વર્ષ 2016માં અમદાવાદના અંધજન મંડળ દ્વારા “પ્રોજેકટ ધ્વનિ” ની શરૂઆત કરવામાં આવી. જે ભારતનો આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ બની ચુકયો છે. આના પરિણામ સ્વરૂપ છેલ્લા 8 વર્ષમાં સાબરમતી જેલના કેદીઓ 4500 ઓડીયો પુસ્તકો બનાવીને ભારતના પ્રજ્ઞાચક્ષુઓની અનોખી સેવા કરી ચૂકયા છે અને હજુપણ આ સેવાયજ્ઞ અવિરત ચાલુ છે. કોઇપણ વિચારબીજ કઇ રીતે અનેક લોકોનું કલ્યાણ કરી શકે છે તે આ પ્રોજકટ થકી સાકાર થયું છે. એક સાચા લોકસેવક સમાજના દરેકવર્ગના કલ્યાણ માટે વિચારતા હોય તો સમાજ એક સાથે મળીને કઇ રીતે વધુ કલ્યાણકારી કામગીરી કરી શકે છે તે “પ્રોજકેટ ધ્વનિ”એ સાબિત કરી બતાવ્યું છે.
કચ્છની પાલારા જેલ ખાતે યોજાયેલા એકઝિબિશનમાં “પ્રોજકેટ ધ્વનિ” નું ડેમોસ્ટ્રેશન કરતા અંધજન મંડળ અમદાવાદના ડેપ્યુટી ડાયરેકટર ભરતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા અમે સાબરમતી જેલના કેદીઓને બ્રેઇલ લિપીની તાલીમ આપીને તેઓની પાસેથી બ્રેઇલ પુસ્તકો તૈયાર કરાવતા હતા. પરંતુ સમય જતાં તે પ્રોજકેટ બંધ થઇ ગયો હતો. વર્ષ 2012માં જયારે બ્રેઇલ પુસ્તકના વિમોચન સમયે તત્કાલીન સીએમ તથા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્ધાયા હતા. ત્યારે તેમણે સંસ્થાના જનરલ સેક્રેટરી ડો.ભૂષણ પુનામીને મળીને બ્રેઇલ પુસ્તકો બનાવવામાં, પ્રજ્ઞાચક્ષુઓને વાંચવા, રાખવા તથા સંગ્રહ કરવામાં પડતી સમસ્યાને દુર કરવા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓડીયો બુક કેમ ન બનાવી શકાય ? તે વિશે વિચાર કરવા જણાવ્યું હતું. આ કામગીરીમાં જેલના કેદીઓને જોડવામાં આવે તો એક સાથે સમાજના બંને વર્ગ માટે જ્ઞાનવર્ધક તથા જીવનને પ્રેરણા આપતી કામગીરી થઇ શકે તેવું ખાસ સુચન કર્યું હતું. જે સુચનને અમે વધાવી લઇને તમામ રીસર્ચ બાદ વર્ષ તા. 2 ઓકટોબર 2016ના રોજ અંધજન મંડળ અમદાવાદ દ્વારા સાબરમતી સેન્ટ્રલ જેલની જે બેરેકમાં થોડો સમય માટે ગાંધીજીએ જેલવાસ ભોગવ્યો હતો તે કોટડીથી આ “પ્રોજેકટ ધ્વનિ” ની શરૂઆત કરવામાં આવી..આજે પ્રજ્ઞાચક્ષુ તથા જેલના કેદીઓને લઇને ચાલતો આ પ્રોજકેટ ભારતમાં આ પ્રકારનો પ્રથમ અનોખો પ્રોજકેટ છે.
તેમણે વધુમાં કહ્યું કે, જેલના કેદીઓને વોઇસ રેકોર્ડની તાલીમ આપવામાં આવે છે. તેઓ જે રેકોર્ડ કરે તેને બાદમાં સંસ્થામાં એડીટ કરીને એક ઓડીયો બુકના ફોર્મેટમાં તૈયાર કરવામાં આવે છે. 8 વર્ષમાં જેલના કેદીઓ દ્વારા 4500 ઓડીયો બુક તૈયાર કરી દેવાઇ છે. અમારા દ્વારા ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ઓડીયો બુક બનાવવામાં આવે છે. જે પ્રજ્ઞાચક્ષુઓ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં નિ:શુલ્ક આપવામાં આવે છે. આ સાથે ભારત સરકારના સુગમ્ય પુસ્તકાલય જે ઓનલાઇન છે તેમાં અપલોડ કરવામાં આવે છે. જેમાંથી દેશ-વિદેશના પ્રજ્ઞાચક્ષુઓ ડાઉનલોડ કરીને તેને સાંભળી શકે છે. અત્યાર સુધી 1000થી વધુ પ્રજ્ઞાચક્ષુઓએ સંસ્થામાંથી સીધીરીતે આ ઓડીયો બુકો મેળવીને તેનો રસાસ્વાદ મેળવ્યો છે. ઉપરાતં દેશભરમાં હજારો પ્રજ્ઞાચક્ષુઓ આ સેવાને મેળવી રહ્યા છે.
વડાપ્રધાનની દીર્ધદષ્ટિના કારણે બ્રેઇલ પુસ્તક બનાવવા, વાંચવા, સંગ્રહ તથા પરિવહનમાં જે મુશ્કેલી પડતી હતી તેનાથી પ્રજ્ઞાચક્ષુઓને મુક્તિ મળી ગઇ છે. એક સામાન્ય પુસ્તકને બ્રેઇલ લિપીમાં ફેરવવા જતાં તેના ત્રણ પુસ્તક બનતા હોય છે. જેમાં ખર્ચ વધવા સાથે આ દળદાર પુસ્તકના કારણે પ્રજ્ઞાચક્ષુઓને તેને સાચવવા, વાંચવા તથા સાથે ફેરવવામાં મુશ્કેલી પડતી હોય છે. જે પુસ્તકોના વધુ વોલ્યુમ બને એમ હોય તે પુસ્તકને સામાન્ય રીતે બ્રેઇલમાં બનાવવામાં આવતા ન હતા. પરંતુ હવે આ તમામ સમસ્યા હલ થઇ ગઇ છે. ગમે તેટલી ઓડીયો બુક પ્રજ્ઞાચક્ષુઓ મોબાઇલ કે પેનડ્રાઇવમાં વિશ્વના ગમે તે ખૂણેથી ડાઉનલોડ કરીને ગમે ત્યાં સાથે લઇ જઇ શકે છે. ગમે ત્યારે મરજી મુજબ સાંભળી શકે છે. બીજીતરફ જેલકેદીઓ પણ સરળતાથી એક કે બે દિવસમાં એક ઓડીયો બુક બનાવી શકવા સક્ષમ બન્યા છે. અગાઉ બ્રેઇલ પુસ્તકો બનાવવામાં દિવસો નીકળી જતા હતા, ખર્ચ વધી જતો તેમજ સંગ્રહ કરવાનો પ્રશ્ન પણ રહેતો હતો. જે આધુનિક ટેકનોલોજી થકી હલ થઇ ગયો છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ઓડીયો બુક બનાવતા અનેક કેદીઓના હ્રદય પરિવર્તન થયા
ઓડીયો બુક બનાવવાની પ્રક્રીયામાં જોડાયેલા કેદીઓના વાંચનમાં અનેક પ્રેરણાદાયી પુસ્તકો આવતા હોય છે. જેના કારણે તેઓના જેલ અંદર તથા જેલમુક્તિ પછીના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. બે કેદીઓના ઉદાહરણ આપતા તેઓ જણાવે છે કે,
- ફેક કરન્સીમાં પકડાયેલા એક કેદીએ ગાંધીજી પર લખાયેલું એક પુસ્તક વાંચ્યા બાદ તેણે પોતાની સામે નોંધાયેલા કેસમાં ગુનો કબૂલીને તેનો પશ્ચાતાપ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, કોર્ટમાં તેના ગુનો સાબિત કરતા પુરતા પુરાવા ન હતા, આમછતાં તેણે પોતાનો ગુનો કબૂલીને પોતાની મૂલ્યનિષ્ઠા દર્શાવી હતી. હાલ જેલમુક્તિ બાદ તેઓ એક સારી ફર્મમાં નોકરી કરે છે. તે સાથે જેલના કેદીઓને જર્નાલિઝમ કોર્ષનો અભ્યાસ કરાવે છે.
- એક ખૂન કેસના આરોપી કે જે બહારની દુનિયામાં ખરાબ સંગત થકી ગુનાની દુનિયામાં ફસાઇ ગયો. તે હવે વિવિધ સારા પુસ્તકો વાંચ્યા બાદ હવે પોતાના સાચા મિત્ર તરીકે પુસ્તકને ગણે છે. આ સાથે ખુદના તથા સમાજ પ્રત્યેનો તેનો દષ્ટિકોણ સમગ્ર પણે બદલ્યો છે. સમાજ પ્રત્યે અંદર રહલો ક્રોધ, અકડામણ વગેરેને તે નાબુદ કરી શક્યો છે. હવે તે સકારાત્મક દષ્ટિથી ખુદના કર્મને તથા સમાજની ભૂમિકાને જોઇ શકે છે.