ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બેકાંઠે વહી રહી છે. સૂકીભઠ્ઠ બનેલી સાબરમતી નદી બેકાંઠે વહેતી થતાં અનોખો નજારો જોવા મળી રહ્યો છે. સતત વરસાદના પગલે નદીમાં અઢીથી ત્રણ ફૂટ પાણી આવ્યું છે. ગાંધીનગરનું સાબરમતી નદી પરનું સંત સરોવરમાં પણ પાણી પહોંચી ગયું છે. ત્યારે આવનારા દિવસોમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો નદીમાં પાણીની સપાટી વધુ ઊંચી આવશે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વર્ષાની હેલી ચાલી રહી છે. ઉપરાંત માણસા સહિત ઉપરવાસમાં પણ મેઘમહેર થઈ છે જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર તો આવ્યા જ છે સાથે સાથે સેક્ટર 30 પાસેથી પસાર થતી નદી બે કાંઠે વહેતી પણ જોવા મળી રહી છે. સાબરમતી નદીના ઉપરવાસમાં સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડવાથી ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઈ માસના અંતે બે કાંઠે પાણી વહેતું જોવા મળી રહ્યું છે. સાબરમતીમાં પાણી આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. પાણીના વધામણા કરવા નદી કિનારે લોકોના ટોળા ઉમટેલા જોવા મળ્યા હતા. પાણી જોવા માટે પુલ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જો કે, હજી સુધી ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી.
હજી ધરોઈ ડેમ ભરાવવાની ખૂબ જ વાર છે ત્યારે સાબરમતી નદીમાં આવેલા પાણીનો લાકરોડાના બેરેજમાં પણ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. બીજીબાજુ સંતસરોવરમાં પણ વરસાદી પાણીની આવક વધી છે અને લાકરોડાથી પાણી સંતસરોવર પણ પહોંચી ગયું છે. ત્યારે અહીંના તમામ દરવાજા બંધ કરીને પાણીનો સંગ્રહ કરવામાં આવશે. હાલની સ્થિતિએ 1500 ક્યુસેક જેટલું સામાન્ય જ પાણી આવ્યું હોવાનું જણાવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં હવે ભારે વરસાદ પડવાની સાથે પાણીની આવક વધશે તો સંત સરોવરમાં પાણીની સપાટી ઊંચી આવશે જેનાથી સંત સરોવરથી લઈને સેક્ટર 30થી બ્રિજ તરફ કૃત્રિમ સરોવર સર્જાશે.