અમદાવાદઃ મોબાઈલ ફોન ઉપર રીલ બનાવવાના ચક્કરમાં તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં એક કિશોરે જીવ ગુમાવ્યો હતો. દરમિયાન વીડિયો રીલ બનાવવા અને સેલ્ફીના ચક્કરમાં યુવાનો જીવને જોખમમાં મુકતા પણ અચકાતા નથી. સાબરમતી નદીમાં સેલ્ફી લેવા ઉતરેલા બે યુવાનોના ડુબી જવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મહેસાણાના આગલોડ ગામ પાસે સાબરમતી નદીમાં બે યુવાનોના ડુબી જવાથી મોત થયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી એક પરિવારના સભ્યો વિજાપુરના આગલોડ ગામમાં ચાંલદાવિધિ માટે ગયા હતા. દરમિયાન આ પરિવારના બે યુવાનો સાબરમતી નદીના કિનારે ગયા હતા. આ સમયે એક વ્યક્તિ સાબરમતી નદીમાં સેલ્ફી લેવા માટે ઉતર્યો હતો. ત્યારે યુવાનનો પગ લપસ્યો હતો. જેથી તેણે બચાવવા માટે મદદની માંગણી કરી હતી. જેના પરિમાણે અન્ય યુવાન પણ તેને બચાવવા પડ્યો હતો. બંને યુવાનોને સ્વીમીંગ આવડતું ન હતું. બંને યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. સ્થાનિક તરવૈયાઓએ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યાં હતા. વિજાપુરના આગલોડમાં બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરરાટી વ્યાપી જવા પામી હતી તેમજ પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. બે પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં છે.