રાજસ્થાન: CM ગહેલોત સામે સચિન પાયલોટે મોરચો ખોલ્યો, એક દિવસના ઉપવાસ ઉપર બેઠા
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા ફરી એકવાર કોંગ્રેસ સરકારમાં આંતરીક જૂથબંધી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે પોતાની સરકારની સામે જયપુરમાં શહીદ સ્મારક ઉપર એક દિવસના અનશન ઉપર બેઠા છે. પૂર્વ સીએમ વસંધરા રાજે સરકારના ખનન અને એક્સાઈઝ કૌભાંડની તપાસ માટે સચિન પાયલોટે સીએમને અનેક વખત રજુઆત કરી હતી. જો કે, કોઈ સંતોષકારક કાર્યવાહી નહીં થતા પોતાની સરકાર સામે જ આંદોલનનું હથિયાર ઉઠાવ્યું છે. રાજસ્થાનમાં કોંગ્રેસમાં ફરી એકવાર સીએમ ગહેલોત અને સચિન પાયલોટ સામે-સામે આવી જતા કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
રાજસ્થાનમાં સચિન પાયલોટે ઉપવાસનું હથિયાર ઉપાડ્યું છે, બીજી તરફ સીએમ ગહેલોત રાજ્યમાં વિવિધ યોજનાઓની જાહેરાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મારા દેશવાસીઓ અમે નિર્ણય લીધો છે કે, 2030 સુધી રાજસ્થાનને નંબર-1 બનાવું છે. રાજસ્થાનની જનતા ઉપરનો બોજ ઓછો કરવા માટે મોંઘવારી કેમ્પ શરૂ કરવામાં આવશે. એક દિવસના ઉપવાસ આંદોલન પહેલા સચિન પાયલોટ જ્યોતિબા ફુલેજીના સ્મારક ગયા હતા. જ્યાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જે બાદ તેઓ શહીદ સ્મારક ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતા. સચિન પાયલોટના એક દિવસના ઉપવાસ આંદોલનને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે.
સચિન પાયલોટે કહ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સરકારમાં ખનન કૌભાંડ અને એક્સાઈઝ કૌભાંડ થયું હતું, પરંતુ તેની સામે ગહેલોત સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. આ મુદ્દાને લઈને ગહેલોત સરકારને એક વર્ષમાં બે-બે વાર પત્ર લખ્યાં હતા પરંતુ કોઈ જવાબ મળ્યો છે. પાયલોટએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા અશોક ગહેલોત સરકાર સામે નવો મોરચો ખોલ્યો છે.