નવી દિલ્હીઃ દેશની આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનારા ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલજીનો આજે બલિદાન દિવસ છે. આર્યસમાજની વિચારધારામાં રંગાયેલા ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલજીએ માત્ર 19 વર્ષની ઉંમરે જ ક્રાંતિકારી જીવનની શરુઆત કરી હતી.
ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલનું મુળ નામ રામપ્રસાદ મુરલીધર પંડિત હતું અને તેઓ ઉત્તરપ્રદેશના શાહજનહાનપુરના હતા. દેશની આઝાદી માટે તેઓ ખૂબ જ વિહવળ હોવાથી તેમના નામની પાછળ પંડીતના બદલે બિસ્મિલ લાગી ગયું. તેઓશ્રી કવિ, શાયર, અનુવાદક, બહુભાષાભાષી, ઇતિહાસકાર અને સાહિત્યકાર હતા. તેમનું લેખન કાર્ય એટલું ક્રાંતિ પ્રેરક હતું કે તેઓશ્રીની મોટાભાગની પુસ્તકો સરકાર દ્વારા જપ્ત કરી લેવામાં આવી હતી. તેમણે કોંગ્રેસમાં પણ કાર્ય કર્યું અને પૂર્ણ સ્વરાજનું સમર્થન કર્યું હતું. તેઓ ક્રાંતિકારી નેતા ગેંદાલાલ દીક્ષિતજીના અનુયાયી બન્યા હતા.
ક્રાંતિવીર રામપ્રસાદ બિસ્મિલજીએ બંગાળના પ્રખર ક્રાંતિકારી શચીદ્રનાથ સાન્યાલજી સાથે મળી હિન્દુસ્થાન પ્રજાતંત્ર સંઘ ની સ્થાપના કરી હતી. ક્રાંતિકાર્ય હેતુ કાકોરી સરકારી રેલગાડીમાંના સરકારી ખજાના ને તેમણે લૂંટી લીધો હતો. આ કેસમાં રામપ્રસાદ બિસ્મિલ અને અન્ય 40 ક્રાંતિકારીઓની ધરપકડ થઈ હતી. આ કેસમાં તેમને ફાંસીની સજા થઈ હતી. માત્ર 30 વર્ષની યુવાન વયે વંદે માતરમ્ નો જયઘોષ કરી ફાંસીના માંચડે તા. 19મી ડિસેમ્બર 1927 ના રોજ ચડી ગયા હતા. તાજગીથી ભરપૂર એવું યુવાન પુષ્પ ભારતમાતાના ચરણોમાં સમર્પિત થઈ ગયું હતું.