દિલ્હી :ઓસ્ટ્રેલિયા જેવો દેશ કે જ્યાં હંમેશાથી બહુસાંસ્કૃતિકવાદને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એમાં તાજેતરમાં બનેલી શરમજનક ઘટનાઓએ આ દેશમાં રહેતા તમામ ભારતીયોને વિચારતા કરી મૂક્યાં છે અને બહુ મોટી સંખ્યામાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જે ગમે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે એમ છે. એવામાં ફરી એક વાર સામાન્ય જનસમુદાયમાં સર્વધર્મ સમભાવ, શાંતિ અને એકતા સ્થપાય તથાં વર્તમાન યુગમાં લોકોનાં માનસપટ પરથી ધીમે ધીમે ભૂંસાઈ રહેલા આદર્શોને ફરીથી જાગૃત કરી શકાય એ માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ઈન્ડિયન સપોર્ટ સેન્ટર નામની બિનલાભકારી સંસ્થાનાં પ્રમુખ શ્રી સુબ્બા રાવ સાથે મળીને આ સંસ્થાની અંતર્ગત ઈન્ડિયન કૉમ્યૂનિટી ફોરમ સમિતિ રચવામાં આવી છે અને આ આખીય વિચારધારા પર આ ફોરમનાં ચેર પર્સન શ્રી પરાગ શાહનાં નેતૃત્વ હેઠળ અમલ મુકવામાં આવી રહ્યો છે જેને લિટ્ટલ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા નામની બિનલાભકારી સંસ્થાનાં પ્રમુખ ગુરમીત તુલીએ મજબૂત સમર્થન આપ્યું છે જયારે આ સંસ્થાનાં કલ્ચરલ ડાયરેક્ટર શ્રી વૈભવી જોશીનો આ વિચારધારાને બહોળા જનસમુદાય સુધી પહોંચાડવામાં મુખ્ય ફાળો રહ્યો.
૨૦૨૩નાં વર્ષમાં છાશવારે થતાં હુમલાઓને લઈને અહીંની ભારતીય પ્રજામાં તીવ્ર આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે જેનું મુખ્ય કારણ તાજેતરમાં જ પશ્ચિમી સિડનીનાં રોઝહીલ ઉપનગરમાં આવેલા BAPS સ્વામિનાયણ મંદિર પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલો હુમલો અને તોડફોડ માનવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, મંદિરની દીવાલો પર સૂત્રો પણ લખવામાં આવ્યાં હતાં અને આ ઉપદ્રવીઓએ મંદિરનાં મુખ્ય ગેટ પર ખાલિસ્તાની ઝંડો પણ લટકાવી દીધો હતો. ત્યારે આગામી સમયમાં PM મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.જોકે,પીએમના પ્રવાસ પહેલા સિડનીના હેરિસ પાર્કમાં સદભાવના યાત્રાનું આયોજન કરવામાં આવશે.