Site icon Revoi.in

વિનેશના ચૂંટણી લડવાના નિર્ણયથી દુઃખી છુંઃ મહાવીર ફોગાટ

Social Share

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, મતદાનના દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરમિયાન પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયાં છે. એટલું જ નહીં કોંગ્રેસે વિનેશ ફોગાટને જુલાના વિધાનસભા બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યાં છે. વિનેશ ફોગાટએ પણ ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન વિનેશ ફોગાટના ચૂંટણી લડવાના નિર્ણયને લઈને તેમના કાકા મહાવીર ફોગાટએ નારાજગી વ્યક્ત કરી છે.

કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટએ જણાવ્યું હતું કે, વિનેશએ ઓલિમ્પિકમાં સારુ પ્રદર્શન કર્યું હતું પરંતુ ફાઈનલમાં અયોગ્ય ઠરી હતી. મારુ માનવું છે કે, વિનેશ ફોગાટએ વર્ષ 2028 ઓલિમ્પિકમાં ભાગ લેવો જોઈએ. ગોલ્ડ મેડલ મારુ સ્વપ્ન છે, તે મળ્યો નથી પરંતુ ભારતની જનતા વિનેશને ખુબ પ્રેમ કરે છે. લોકોને તેમની પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી, આ વાર આશા પુરી થઈ નથી, પરંતુ વર્ષ 2028માં વિનેશ ગોલ્ડ લાવશે તેવી આશા રાખી રહ્યાં હતા. પરંતુ વિનેશએ રાજનીતિમાં પ્રવેશનો જે નિર્ણય કર્યો છે તેનાથી હુ દુઃખી છું. આ નિર્ણય વર્ષ 2028ના ઓલિમ્પિક પછી લેતી તો ખુબ સારુ રહેતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિનેશની રાજકારણમાં પ્રવેશ અને ચૂંટણી લડવાની કોઈ યોજના ન હતી. બજરંગ પુનિયાનું પણ આવું કોઈ આયોજન ન હતું. પરંતુ મને ખ્યાલ નથી કે કોંગ્રેસે આવુ કેવી રીતે કર્યું. દીકરી બબીતા ફોગાટને ભાજપાની ટીકીટ નહીં મળવા મુદ્દે મહાવીર ફોગાટએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને ચૂંટણી લડવાની ટીકીટ ના મળે. પાર્ટીએ જે પણ નિર્ણય લીધો હોય તે સમજી વિચારીને જ લીધો હશે. પાર્ટીનો જે નિર્ણય હોય તે પાર્ટીના દરેક નેતા-કાર્યકરોએ સ્વિકારવો જોઈએ.