Site icon Revoi.in

ગિરનાર પરિક્રમામાં વિધર્મીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધની સાધુ-સંતોની માંગણી

Social Share

અમદાવાદઃ સંતોની ભૂમિ ગણાતા જૂનાગઢમાં ગિરનાર વિસ્તારમાં કારતક સુદ અગિયારશથી લીલી પરિક્રમાનો પ્રારંભ થવાનો છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ ગિરનારની પરિક્રમા કરનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સંત સમાજે પરિક્રમમાં વિધર્મીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધની માંગણી કરી છે. તેમજ પ્રતિબંધ નહીં ફરમાવવામાં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.

ગિરનારમાં સાતરક સુદ અગિયાસથી દેવ દિવાળી સુધી પરિક્રમા યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ દેશે. પરિક્રમાની તૈયારીઓના ભાગરૂપે સાધુ સંતોની વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા સાધુસંતોએ પરિક્રમામાં કોઈ વિધર્મીને પ્રવેશ ન આપવા અંગે વહીવટીતંત્ર સમક્ષ માગ કરી છે. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો અમારી માગણી પૂર્ણ નહીં થાય તો તંત્ર સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવશે. ગિરનાર મેળામાં કોઈ વિધર્મી દુકાન ન લગાવે કે તેને પ્રવેશ આપવામાં ન આવે તેવી સાધુ સંતોએ માગ કરી છે.

ગીરનાર પરિક્રમાને લઈને ઉચ્ચ અધિકારીઓ અને સાધુ-સંતો તથા સામાજીક આગેવાનોની બેઠકમાં વીજળી, પાણી, ભોજન સહિતની તમામ સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્યને લઈને પણ ચર્ચા કરાઈ હતી.