અમદાવાદઃ સુરત શહેરમાં પોલીસ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સલામતીના પાઠ ભણાવવાની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન 50 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને સલામતીના પાઠ ભણાવ્યાં હતા.
સુરત શહેર પોલીસ અને ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા શાળા સલામતી કાર્યક્રમનો સુરતમાં પ્રારંભ કરાયો છે. જેમાં શહેરની ૫૦ વધુ શાળાઓ શાળા સલામતીના પાઠ ભણાવી બાળકોને જાગૃત્ત કરશે. આ સંદર્ભે વેડ રોડ સ્થિત કસ્તુરબા વિદ્યાભવનમાં શાળા સલામતી અંતર્ગત માર્ગ સલામતી ટ્રાફિક એજ્યુકેશન અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 250 બાળકોએ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ટ્રાફિક એજ્યુ. & વેલ્ફેર સોસા.ના અધ્યક્ષ બ્રિજેશ એમ. વર્માએ બાળકોને ઓડિયો-વિડીયો અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રસ્તા પર ચાલવાની બાબતો, ટ્રાફિક સિગ્નલ અંગેની ઉપયોગી જાણકારી, હેલ્મેટ અને સીટબેલ્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સનું મહત્વ, સાયબર સેફ્ટી તથા ઈ-એફ.આઈ.આર. અંગે સમજ આપી હતી. તેમજ સરકારની રોડ સેફ્ટી અંગેના અભિયાનોની વિગત આપી હતી.