Site icon Revoi.in

તલાલા ગીરના યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થતા ભાવ ઘટવાની શક્યતા

Social Share

તલાલા ગીરઃ સ્વાદમાં મધુર ગણાતી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થઈ જતાં હવે કેસર કેરીના ભાવમાં ઘટાડો થશે.તેવી લોકો આશા રાખી રહ્યા છે. આફુસ, લાલબાગ અને તોતાપુરી કેરીની આવક ફળ બજારમાં એકાદ મહિનાથી થઇ રહી છે પરંતુ કેસરનું આગમન થતા જ હવે કેરીની બજારમાં રોનક છવાશે. મંગળવારથી તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીની શરુઆત થઇ હતી. પ્રથમ દિવસે 5600 બોક્સની આવક થઇ હતી. હવે સવાથી દોઢ મહિના સુધી કેસર કેરીની સીઝન ચાલુ રહેવાની ધારણા છે.

આફુસના ભાવ લોકોની પહોંચમાં નથી છતાં લોકો યથાશક્તિ ખાઇ રહ્યા છે પરંતુ હવે કેસરનું આગમન થતા હવે કેરી સસ્તી થવાની ધારણા છે. તાલાલામાં ગયા વર્ષે 10મી મેએ પ્રથમ હરાજી થઇ હતી. એ રીતે આ વર્ષે છ દિવસ વહેલા કામકાજ શરું થઇ ગયા છે. યાર્ડમાં રૂપિયા. 300-750ના ભાવથી 10 કિલોના એક એવા 5600 બોક્સનું વેચાણ થયું હતુ. તાલાલાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની બજારોમાં હવે કેસર કેરી પહોંચશે. પાછલા વર્ષે યાર્ડમાં 37 દિવસ સુધી કેરીની આવક થઇ હતી અને આશરે 6.07 લાખ બોક્સનું વેચાણ થયું હતુ. એક બોક્સનો સરેરાશ ભાવ 10 કિલોએ રૂપિયા 410 હતો. જે બે દાયકામાં સૌથી વધારે રહ્યો હતો. ગયા વર્ષે રૂપિયા. 29 કરોડની કિંમતની કેરીનું વેચાણ થયું હતુ. પ્રથમ દિવસે કેરીનો સરેરાશ ભાવ રુ. 525 રહ્યો હતો. પાછલા વર્ષે કોરોનાને કારણે બોક્સની અછત થશે એવા એંધાણ મળ્યા હતા. જોકે બાદમાં બધુ સમુસૂતરું થઇ જતા સીઝન હેમખેમ પૂરી થઇ હતી. કેસર કેરીની હરાજી પણ વધુ પ્રમાણમાં થતા ખેડૂતોને ફાયદો મળ્યો હતો અને તાલાલાના અર્થતંત્રને પણ વેગ મળ્યો હતો. રાજકોટની ફળ બજારમાં અત્યારે ગીર સિવાયના વિસ્તારોની કેસર કેરીના બોક્સ મળવા લાગ્યા છે. 10 કિલોના બોક્સ દીઠ રુ. 550થી 1300 સુધીનો ભાવ બોલાય છે. જોકે કેસરની ગુણવત્તા હજુ સંતોષકારક આવતી નથી. બીજી તરફ આફુસની આવક સ્થાનિક બજારમાં સારી છે અને છૂટકમાં એક કિલોએ રુ. 125-150ના ભાવમાં મળે છે. લાલબાગનો ભાવ રુ. 80-100 જેટલો ચાલે છે.