જૂનાગઢઃ ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. કેસર કેરીનું મોટું યાર્ડ ગણાતા તલાળા ગીર માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીના ભાવોમાં પાછલા તમામ વર્ષોના રેકોર્ડ તોડી આ વર્ષે હરાજીના પ્રથમ દિવસે સારીના કેરીના પ્રતિ બોક્સ સર્વોચ્ચ રૂ.1500 ના ભાવ બોલાયા હતા. હરાજીના પ્રારંભે પ્રથમ કેરીનું બોકસ ગૌશાળાના લાભાર્થે રૂ.16 હજારમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બોલી લગાવી ખરીદયુ હતુ. છેલ્લા બે વર્ષથી વાતાવરણની વિષમતાને કારણે આ વર્ષે ગીર પંથકની કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાના કારણે પ્રથમ દિવસે તાલાલા યાર્ડમાં માત્ર 2600 બોકસ જ હરાજીમાં આવેલા હતા. જે ગત વર્ષની સરખામણીએ 3 હજાર બોકસ ઓછા આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
ગીરની કેસર કેરી દેશમાં જ નહીં વિદેશોમાં પણ જાણીતી છે. છેલ્લા બે વર્ષથી સીઝન ટાણે જ માવઠું કે પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના પાકને ભારે નુકશાન થઈ રહ્યું છે. એટલે કેસર કેરીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તલાળા ગીર માર્કેટ યાર્ડમાં ગુજરાત તેમજ પર પ્રાંતથી પણ ઘણાબધા વેપારીઓ કેરીની ખરીદી કરવા માટે આવે છે. તલાળા ગીર ઉપરાંત જુનાગઢ યાર્ડમાં પણ કેસર કેરીની ધુમ આવક શરૂ થઈ ગઈ છે. સોમવારે 1500 બોક્ષની આવક જોવા મળી હતી. 10 કિલો કેસર કેરીના 800 થી 1500 રૂપિયા સુધીની હરાજી થઇ હતી. દિવસેને દિવસે કેરીના બોક્ષની આવક વધતી જોવા મળી રહી છે. આ વર્ષે કેસર કેરીની આવક ઓછી થશે તેની સાથે ઊત્પાદન પણ ઓછુ જોવા મળી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફાળોના રાજા ગણાતી ગીરની કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો વિધિવત પ્રારંભ થયો છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે 16,500માં ખરીદ્યું હતું. યાર્ડમાં 10 કિલો બોક્સના ભાવ સરેરાશ 800 થી 1500 રૂપિયા. પ્રથમ દિવસે 4 હજાર બોક્સની આવક થઈ હતી. સોમવારથી તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન શરૂ થયું છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની કેરીના પાકને વેચવા માટે ઉમટી પડ્યા હતા. આ વર્ષે કમોસમી વરસાદથી કેરી 15 દિવસ મોડી આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રણ પ્રકારની કેરી પ્રખ્યાત છે. એક ગીરની કેસર, બીજી કચ્છની કેસર અને વલસાડની હાફુસ. હવે તો વલસાડમાં પણ કેસર વધુ પાકે છે. કચ્છ અને વલસાડમાં 20 વર્ષ પહેલાં કેસરના આંબા વાવવાની શરૂઆત થઈ હતી. ધીમે ધમે સફળતા મળતી ગઈ તેમ-તેમ વલસાડ અને કચ્છના ખેડૂતો કેસરના વાવેતર તરફ વળ્યા હતા અને એક સમય એવો હતો કે કેસર કેરી તો ગીરની જ, એવું કહેવાતું થઈ ગયું. હવે વલસાડની અને કચ્છની કેસર કેરીની ડિમાન્ડ છે. એટલે હવે કેસર માત્ર તાલાલા કે ગીરની નથી રહી, કેસર આખા ગુજરાતની ઓળખ બની ગઈ છે, પણ આ વખતે તમામ સ્થળોએ પ્રતિકૂળ વાતાવરણને લીધે કેરીના પાકને મોટો ફટકો પડ્યો છે.