અમદાવાદઃ હાર્દ સમા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ હાટ ખાતે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે કેસર કેરી મહોત્સવ 2023 ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અહીં ઉપસ્થિત ખેડૂતો, ખેડૂત સંગઠનના હોદ્દેદારો, અને ઉપસ્થિત શહેરીજનોને સંબોધિત કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતુ કે, ખેડૂતોની આવક બમણી કરવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છે. તેમના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. બજેટ હોય કે ખેતી વિષયક માર્ગદર્શન, વીજળી હોય કે સિંચાઈની સુવિધા આ તમામ બાબતોની દરકાર કરી સરકાર ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે કટિબદ્ધ છે.
સ્વાનુભવ વર્ણવતા કૃષિમંત્રીએ ઉમેર્યું કે, જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થાય છે. ત્યારે તેમની આંખો અને વાતોમાં ભારતના ખેડૂતની ચિંતા, ખેડૂતો પ્રત્યેની સંવેદના જોવા મળે છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં, ખેતીના આધુનિકીકરણ અને યાંત્રિકીકરણ કરવામાં તેમજ ખેત પેદાશોનું બજાર વધારી એક્સપોર્ટ કરવા સુધીનાં તમામ કાર્યોમાં સરકાર હરહંમેશ ખેડૂતોની સાથે ઊભી છે.
મંત્રીએ જણાવ્યું કે શહેરની સુવિધા ગામડાંઓમાં ઉપલબ્ધ કરાવવાનું ભગીરથ કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ચાલી રહ્યું છે. જેમાં અત્યાધુનિક આરોગ્ય કેન્દ્રો થકી આરોગ્ય સુવિધાઓ, શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રોજગારી વધારવાની દિશામાં અસરકારક કામગીરી થઈ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
સરકાર દ્વારા ખેડૂત કલ્યાણના પ્રયાસોનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, સિંચાઈ માટે સૌની યોજના, વગર વ્યાજે પાક ધિરાણ, 24 કલાક થ્રી ફેઝ વીજળી આપવાની સાથે બજારમાં ભાવ ન મળે ત્યારે ટેકાના ભાવે પારદર્શકતાપૂર્વક ખરીદી કરીને સરકાર ખેડૂતો સદ્ધર બને તે માટે પ્રયાસરત છે. કુદરતી આપત્તિના સમયમાં રાહત પેકેજ જાહેર કરીને સરકાર ખેડૂતોની હમદર્દ બનવાનો પ્રયાસ કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
રાઘવજી પટેલે કેસર કેરી મહોત્સવ વિશે વાત કરતા જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં 2010માં કેસર કેરી મહોત્સવ શરૂ થયા હતા. શહેરીજનોના અભૂતપૂર્વ પ્રતિસાદને કારણ હવે પ્રતિવર્ષ તેનું આયોજન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આવા આયોજનોથી ખેડૂતોને સીધો ફાયદો મળે છે અને ગ્રાહકોને કેમિકલમુક્ત તથા ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ કેરી મળે છે.
કેસર કેરીની આગવી ઓળખ વિશે વાત કરતા મંત્રીએ કહ્યું કે, શાલે મહોમ્મદની ખાખડીના નામથી પ્રચલિત કેરીની આ વિશિષ્ટ જાતને જૂનાગઢના નવાબે તેના સ્વાદ અને સોડમના આધારે કેસર નામ આપ્યું હતું. આજે કેસર કેરી માત્ર જૂનાગઢ કે ગુજરાત જ નહીં પણ ભારતની ઓળખ બનીને વિશ્વભરમાં પહોંચી રહી છે. ત્યારે કેસર કેરીનું ઉત્પાદન વધે તેમજ ઉત્પાદન કરતા ખેડૂતોને સારા ભાવો મળે તે ચિંતિત બાગાયત ખાતાનો આ પ્રયાસ પ્રશંસનીય છે.