Site icon Revoi.in

અમદાવાદના સરદારનગરમાં નકલી પોલીસ બનીને તોડ કરતી ગેન્ગનો સાગરિત પકડાયો

Social Share

અમદાવાદ:  નકલી પોલીસના સ્વાંગમાં લોકો સાથે તોડ કરવાના બનાવો બની રહ્યા છે. પોતે પોલીસ હોવાનો રૂઆબ બતાવીને ધાક-ધમકી આપીને તોડ કરવામાં આવતો હોય છે. અને આખી ગેન્ગ તોડબાજનું કામ કરતી હોય છે. ત્યારે પોલીસનો રૂઆબ બતાવીને તોડ કરતા એક આરોપીની સરદાર નગર પોલીસે   ધરપકડ કરી છે અને બાકીના ફરાર ચાર આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી છે.  પોલીસના સ્વાંગમાં કઇ રીતે આરોપીઓ સામાન્ય નાગરીકોને ટાર્ગેટ કરતા હતા? તે અંગે પૂછતાછ કરવામાં આવી રહી છે. સરદારનગર પોલીસે ધરપકડ કરેલા આ આરોપીનું નામ જયદિપ કોટીલા છે. 28 વર્ષીય જયદિપ કોટીલા ભાવનગરના પાલીતાણાનો વનતી છે. જે હાલ નરોડા ખાતે આવેલી ઇન્દ્રલોક સોસાયટીમાં ભાડે રહે છે. આરોપીઓ પોતાની ટોળકી બનાવી નકલી પોલીસ બની લોકો પાસેથી રૂપિયા પડાવતો હોવાનું પોલીસ તપામાં ખુલ્યુ છે. જે કેસ અંતર્ગત પોલીસે જયદિપની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 23 મેના રોજ વડોદરાના રહિશ પ્રદિપસિંહ રાઓલ પોતાના પરિવારને અમદાવાદ ખાતે છોડવા માટે આવ્યા હતા. પરિવારને છોડી જ્યારે તેઓ વડોદરા તરફ પરત ફરતા હતા ત્યારે રસ્તામાં બે મહિલાઓએ તેમની કાર રોકી તેમની પાસે લીફ્ટ માંગી હતી. બે પૈકી એક મહિલાએ પોતાને ફેક્ચર થયુ હોવાનુ ખોટુ બહાનુ કરી લીફ્ટ માંગી હતી. પ્રદિપ સિહે લિફ્ટ આપતાં એક મહિલા ડ્રાઇવરની બાજુની સીટમાં ગોઠવાઇ ગઇ હતી અને તેમનુ ઘર નજીક જ હોવાથી ઘરે મુકી જવા વિનંતી કરી હતી. આથી પ્રદિપસિંહ બે મહિલાઓને મુકવા માટે તેમના ઘર પહેચ્યા કે તરતજ ચાર અજાણ્યા વ્યક્તિઓ આવી પહોચ્યા હતા. જેમણે પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી પ્રદિપસિંહ પર કુટણખાણુ ચલાવતા હોવાનુ કહી રૂપિયાની માંગણી કરી હતી. જોકે પ્રદિપસિંહે પોતાની પાસે રૂપિયા ન હોવાનુ જણાવી એટીએમમાં રૂપિયા ઉપાડવા જવાનું કહેતા ફરિયાદીની વાત માની આરોપી જયદિપ તેમની સાથે એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયો હતો.  દરમિયાન પ્રદિપ સિંહે પોતાના સંબંધી કૃણાલને ઘટનાની જાણ કરી હતી. કૃણાલ આવી જતાં પ્રદિપસિંહ અને કૃણાલે આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો અને નકલી પોલીસ ગેંગનો પર્દાફાશ થયો. જે અજાણ્યા ચાર શખસો આરોપી સાથે આવ્યા હતા તેમના નામ પોલીસ તપાસમાં ખૂલ્યા છે, જેમાં બળવંત અને ચિરાગ ઉપરાંત અન્ય એક આરોપીનો સમાવેશ થાય છે. બળવંત નામના આરોપી સામે કામરેજ પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ થયેલો છે.

પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, નકલી ગેંગમાં બે મહિલા આરોપીઓની ભુમિકા પણ સામે આવી છે. જે બે મહિલાઓએ લીફ્ટની માગં કરી હતી તેમનુ નામ ભુમી અને શિતલ હોવાનુ ખુલ્યુ છે. આરોપીઓ અગાઉ આ પ્રકારે કોઇ અન્ય વ્યક્તિને ભોગ બનાવ્યા છે કે કેમ તે શોધવા માટે પ્રયાસ હાથ ધરી જો કોઇ વ્યક્તિ આ ગેંગનો ભોગ બન્યો હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે, સાથે જ ફરાર આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કર્યા છે.