- લૂંટારૂ ગેન્ગના સાગરિત પાસેથી તમંચો, માઉઝર, કારતૂસો મળ્યા,
- યુપીથી કાર લઈને 7 શખસો લૂંટ કરવા આવ્યા હતા,
- કોને ત્યાં ધાડ પાડવાના હતા તેની માહિતી પોલીસ મેળવશે
વડોદરાઃ દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત એક સમૃદ્ધ રાજ્યની ગણતરી થતી હોય છે. અને તેના લીધે પરપ્રાંતની લૂંટારૂ ટોળકીઓની નજર ગુજરાતના મહાનગરો પર રહેતી હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશની લૂંટારૂં ગેન્ગના 6 સાગરિતો તમંચા સહિતના હથિયારો લઈને કારમાં લૂંટ કરવા માટે વડોદરા શહેરમાં ઘૂંસ્યા હતા. દરમિયાન પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી ત્યારે યુપી પાસિંગની કાર જોતા જ કારને ઊભી રખાવી હતી. પોલીસને જોતા જ કારમાંથી ઉતરીને 5 શખસો નાશી ગયા હતા, જોકે પોલીસે એક લૂંટારૂ શખસને દબોચી લીધો હતો. પોલીસે ફરાર થઇ ગયેલા 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ બનાવમાં માઉઝર, તમંચો, જીવતા કારતૂસ અને કાર મળી રૂપિયા 4.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ અંગે મળેલી માહિતી પ્રમાણે વડોદરાના વરણામા પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકીંગમાં હતો ત્યારે યુપી પાસિંગની એક મારુતિ સ્વીફ્ટ કાર પર શંકા ગઈ હતી. તેણે રોકવાનો પ્રયત્ન કર્યો હતો.આ કારમાં છ જેટલા ઈસમો બેઠેલા હતા. જેઓ પોલીસને જોતા જ ડરી ગયા હતા. પોલીસે તપાસ માટે કારમાંથી ઉતારતા જ તેઓ ચાલુ વાહન વ્યવહારનો લાભ લઈને સ્થળ પરથી ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસે એક વ્યક્તિને દબોચી લીધો હતો. જ્યારે અન્ય 5 આરોપી ભાગી જવામાં સફળ થયા હતા. પોલીસે પકડાયેલા શખસની ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો તેમજ દેશી બનાવટની એક માઉઝર ગન મળી આવી હતી. તેમજ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
પોલીસે પકડાયેલા એક શખસની પૂછપરછ કરતા તેનું નામ શાહરૂખ નઝીમ અલી ( રહે. કુશલગઢ,જીલ્લો પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની સાથે કારમાં આવેલા મૂળ યુપીના શાહબાઝ ઉર્ફે લંબુ મોઇન, સૂફીયાન ઉર્ફે પોચી મુરાદઅલી, સહરેયાર ઇબ્રાર તેમજ અન્ય ત્રણ શખસોની ઓળખ કરી હતી. પકડાયેલા આરોપીએ કબુલ્યું હતું કે તેઓ તમામ ભેગા મળીને લૂંટ કરવાના ઇરાદે દેશી હથિયારો સાથે નીકળ્યા હતા. પોલીસે UP રજિસ્ટ્રેશન નંબરની સ્વીફ્ટ કાર, એક દેશી તમંચો, એક દેશી માઉઝર ગન, તમંચાના 5 જીવતા કારતૂસ તેમજ માઉઝરના 12 કારતૂસ, 2 મોબાઈલ ફોન મળીને રૂપિયા 4,66,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરીને ક્યાં અને કેવી રીતે લૂંટને અંજામ આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. તે સાથે પોલીસે ફરાર થઇ ગયેલા 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.