વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂને કોમનવેલ્થ સિનિયર ચેમ્પિયનશિપમાં 49 કિલોગ્રામ વર્ગમાં મળ્યો ગોલ્ડ મેડલ
આપિયા: ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનૂને કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના પહેલા દિવસે મંગળવારે ગોલ્ડ મેડળ મેળવવામાં સફળતા મળી છે. ભારતે મંગળવારે કુલ આઠ સુવર્ણ, ત્રણ રજત અને બે કાંસ્ય સહીત 13 મેડલ પોતાને નામ કર્યા છે.
ચાનૂએ ઓલિમ્પિક ક્વાલિફાઈ ઈવેન્ટના મહિલા 49 કિલોગ્રામ વર્ગમાં કુલ 191 કિલોગ્રામ (84+107) વેઈટ લિફ્ટ કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. અહીંથી મળેલા અંક 2020 ટોક્યો ઓલિમ્પિકના આખરી રેન્કિંગમાં ઘણાં મહત્વના સાબિત થશે.
મીરાબાઈએ એપ્રિલમાં ચીનના નિંગબાઓમાં એશિયન ચેમ્પિયનશિપમાં 199 કિલોગ્રામ વજન ઉંચક્યું હતું. પરંતુ મામૂલી અંતરથી તે મેડલ ચુકી ગઈ હતી. ઓલિમ્પિક 2020માં ક્વોલિફાઈ કરવું 18 માસની અંદર થનારી છ ટૂર્નામેન્ટોમાં પ્રદર્શન પર નિર્ભર છે. આમાથી ચાર સર્વશ્રેષ્ઠ પરિણામોના આધારે ક્વાલિફાઈ થવા મામલે નિર્ણય થશે.
ઝિલ્લી ડાલાબેહરાએ 45 કિલોગ્રામ વર્ગમાં 154 કિલોગ્રામ વજન શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે આ ઈવેન્ટ ઓલિમ્પિક કેટેગરીમાં નથી. બીજી તરફ 55 કિલોગ્રામ વર્ગમાં સોરોઈખાઈબામ બિંદિયા રાનીએ ગોલ્ડ અને મત્સા સંતોષીએ સિલ્વર મેડલ જીત્યો છે. પુરુષ વર્ગમાં 55 કિલોગ્રામ વર્ગમાં રિષિકાંતા સિંહે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.