હરિધામ સોખડાનાં સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, રવિવારે અંતિમ સંસ્કાર કરાશે
વડોદરા: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની ઉંમરે સોમવારે મોડી રાત્રે 11 કલાકે અક્ષર નિવાસી થયા છે. હરિપ્રસાદ સ્વામી ઘણા સમયથી નાદુરસ્ત હતા. તેમને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે મોડીરાત્રે 11 વાગે સ્વામીજીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ દુખદ સમાચારને કારણે દેશવિદેશનાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થતા દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.
યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને 26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે. હરિપ્રસાદ સ્વામીજીનો 23 મે 1934માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. ગત 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતાં હતાં. આજે સોખડા નિજ મંદિર ખાતે મહારાજ સ્વામીના નશ્વર દેહને લાવવામાં આવ્યો હતો. તેમના નિધનથી હરિ ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે.
હાલ મંદિર પરિસરમાં તેમના અંતિમ દર્શન માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. મંગળવાર 27 જુલાઈ એટલે કે આજથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે દેશ-વિદેશથી હજારો ભક્તો દર્શન માટે આવશે. પ્રદેશ વાઈઝ દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે યુવાઓમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. તેમના દેહ વિલય અને પરમધામ ગમનથી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામીશ્રીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.