Site icon Revoi.in

સાળંગપુર કષ્ટભંજન મંદિર દ્વારા શતામૃત મહોત્સવનું આયોજન, સાંસ્કૃતિક પ્રદર્શન ખુલ્લું મુકાયું

Social Share

બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાલાનંદ સ્વામીએ હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંતો દ્વારા દિવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરાયુ છે. આ મહોત્સવ માટે છેલ્લા છ મહિનાથી મંદિરના સંતો અને સ્વયંસેવકોની ટીમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું. શતામૃત મહોત્સવના ગ્રાઉન્ડમાં પ્રદર્શન વાટિકા, નિશુલ્ક ભોજનાલય, 108 યજ્ઞ કુંડ, ઉતારા, સભા મંડપ અને અખંડ ધૂન માટેનું કાર્ય બનાવવામાં આવેલા છે.

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા શતામૃત મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે, આ મહોત્સવમાં શ્રીહનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં પ્રવેશ કરતા જ ભક્તોને ભવ્ય પ્રવેશ દ્વારના દર્શન થશે. જે બંગાળી કારીગરો દ્વારા કલાકૃતિ કરીને બનાવવામાં આવ્યું છે. આ પ્રદર્શન 45 વીઘા જમીનમાં ઊભું કરાયું છે. જેમાં 18 ડોમમાં જુદા-જુદા વિભાગો બનાવાયા છે.આ ઉપરાંત 2 ખાણી-પીણીની કેન્ટીન પણ બનાવવામાં આવી છે. જેમાં ખૂબ જ ઓછી કિંમતે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો ભક્તો આરોગી શકશે.

આ ઉપરાંત હનુમાન વાટિકા પ્રદર્શનમાં ભક્તો મુખ્ય દ્વારથી અંદર આવશે ત્યારે તેમને સૌ પહેલા શ્રીકષ્ટભંજન દેવ વંદના સર્કલમાં 10 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન થશે. પ્રદર્શનના જુદા-જુદા વિભાગોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્ર સાથે દ્રશ્યમાન થતી લોક સંસ્કૃતિ, યુગો પુરાણી ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધાર સ્તંભ અને મંદિરોની ગાથા વર્ણવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, નેચરલ ગુફાઓ, આર્ટ ગેલેરી અને સેલ્ફી ઝોન, ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, વિભિન્ન ફાઉન્ટેન અને તળાવ, નાના-નાના ભૂલકાઓ માટે ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય પ્રદર્શનમાં પ્રવેશ કરવા માટે સવારે 10:00 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રદર્શન 9 નવેમ્બરે સાંજે 5:00 વાગ્યે સંતો દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જે આગામી 22 નવેમ્બર 2023 સુધી ચાલશે.

શતામૃત મહોત્સવમાં લાખોની સંખ્યામાં દાદાના ભક્તો આવશે. તે દરેક ભક્તો એકદમ નિશુલ્ક સારામાં સારી ગુણવત્તાવાળું ભોજન મળી રહે એ માટે ભોજનાલય બનાવવામાં આવ્યું છે. 10 વીઘાથી વધુ વિસ્તારમાં મહોત્સવમાં આવેલા ભક્તોને જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત 16થી 22 નવેમ્બર દરમિયાન હાઈ ટેક લાઈટ એન્ડ સાઉન્ડ કરાશે. જેમાં 54 ફૂટની હનુમાનજી મહારાજની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે તેના પર હનુમાનજીના જીવન ચરિત્ર પર અલગ-અલગ એનિમેશન સાથે લેસર શો દ્વારા ઇફેક્ટ આપી આખો એક શૉ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાશે. મંદિર અને મહોત્સવના 1 કિલોમીટરના રેડિયસમાં 250 વિઘામાં પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. આ પાર્કિંગ મેઇન 5 મેઇન એન્ટ્રી ગેટ છે. જે બરવાળા, બોટાદ, લાઠીદડ, ગુંદા ગામ અને ચાચરિયા ગામ તરફથી આવતા લોકો માટે એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે. આ સિવાય પાર્કિંગમાં 9 ચેકપોસ્ટ બનાવી છે. જેમાં VIP-VVIPના ત્રણ વિભાગ અને જનરલના 18 વિભાગ બનાવવામાં આવ્યા છે. આ પાર્કિંગમાં 30 હજારથી વધુ ફોર વ્હીલ અને ટુવ્હીલ પાર્ક કરી શકાશે.