Site icon Revoi.in

પગારદારો, નાના વેપારીઓ હવે ગમે ત્યારે IT રિટર્ન ફાઈલ કરીને રિફંડ મેળવી શકશે

Social Share

અમદાવાદઃ  દેશમાં નાના વેપારીઓ તેમજ પગારદારો આઈટી રિટર્ન ભરીને વિવિધ રોકાણો દર્શાવીને રિફન્ડ માટે ક્લેમ કરતા હોય છે. અને તેમને રિફન્ડ મેળવવામાં વિલંબ થતો હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ હવે પગારદારો અને નાના વેપારીઓ વર્ષ દરમિયાન ગમે ત્યારે રિટર્ન ફાઈલ કરીને વહેલું રિફન્ડ મેળવી શકશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્કમટેક્સ વિભાગે  વર્ષ 2023-24ના નાણાકીય વર્ષના આઇટીઆઇઆર-1,2 અને 4 વેબસાઈટ પર મૂક્યા છે. આ રિટર્ન પગારદાર, વ્યાજ-ભાડાંની આવક ધરાવતા કરદાતા અને નાના વેપારીએ ભરવાના હોય છે. સામાન્ય રીતે આ રિટર્ન ઓનલાઇન મોડા મુકાતા હોવાથી કરદાતા પોતાનું રિફંડ મેળવી શકતા ન હતા. ઈન્કમટેકસ વિભાગે 11 એપ્રિલે રિટર્ન-1,2 અને 4ની જાહેરાત કરી દીધી હતી. જ્યારે 12 એપ્રિલે ફાઈલિંગ કરવાની લિન્ક વેબસાઈટ પર મુકાઈ છે. જેથી પગારદારો, વ્યાજ મેળવતા કરદાતા અને નાના વેપારીઓ (ઓડિટ લાગુ ન પડતું હોય તેવા) પોતાના રિટર્ન ગમે ત્યારે ઈન્કમટેક્સની વેબાસાઈટ પર ફાઈલ કરી શકશે. આ ઉપરાંત ઈન્કમટેક્સ વિભાગે વેબસાઈટ પર ઇ-ગવર્નન્સ પર કરદાતાએ વર્ષ દરમિયાન કરેલા મોટા ટ્રાન્ઝેક્શન, વ્યાજની આવકની વિગતો મુકી છે. કરદાતાએ રિટર્ન ફાઇલ કરતા પહેલા તેની સાથે આવકની સરખામણી કરવી હિતાવહ છે. ઈન્કમટેકસે જાહેર કરેલા આઇટીઆર-1 રિટર્ન પગારદાર માટે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પગાર ઉપરાંત ભાડાંની અને વ્યાજની આવક હોય તેમણે આઈટીઆર-1 રિટર્ન ઓનલાઈન ફાઈલ કરવાનું રહેશે. જ્યારે વ્યક્તિગત એચયુએફ, પેઢી (જેની આવક રૂ. 50 લાખ કરતા ઓછી હોય) તેવી વ્યક્તિઓ માટે આઇટીઆઇઆર-4 ભરવું જરૂરી છે. સામાન્ય રીતે આ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી 31 જુલાઈ હોય છે. પરંતુ ડિપાર્ટમેન્ટે સમયસર આ રિટર્ન અપલોડ કરી દેવાતા કરદાતા વહેલા રિટર્ન ફાઇલ કરીને કપાયેલા ટીડીએસનું રિફંડ લઇ શકશે.