અમદાવાદઃ કોરોનના કાળમાં લોકોની આવક ઘટી જતાં ઉદ્યોગ-ધંધાને અગણિત નુકશાન થયું હતું. ગુજરાતમાંથી મોટાપાયે શ્રમિકોનું સ્થળાંતર થતાં ઉપરાંત ઉંચા પગારદારોના પગારમાં કાપ મુકાવાના લીધે લોકોનું આર્થિક ચક્ર ફરી ગયું હતું. જેના લીધે ઓટોમોબાઇલ ક્ષેત્રને થયેલું નુકસાન અત્યાર સુધીનું સૌથી વધુ મનાય છે. ગુજરાતમાં કારના વેચાણમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટુ-વ્હીલરના વેચાણમાં 48 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પણ SUV કારના વેચાણ 20 ટકા વધ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન ( ફાડા)ના ગુજરાતના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્ષ 2019-20માં 11.77 લાખ ટુવ્હીલર, 2.59 લાખ કાર જ્યારે 2020-21માં 6.07 લાખ ટુવ્હીલર અને 2.02 લાખ કારનું વેચાણ થયું હતું. જે મુજબ રાજ્યમાં કારના વેચાણમાં 28 ટકા અને ટુવ્હીલરના વેચાણમાં 48 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં કારમાં 16 ટકા અને ટુવ્હીલરમાં 45 ટકા સુધી વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં લક્ઝુરિયસ કારના વેચાણની ટકાવારી 0.35 ટકા વધી હોવાનું જણાવતા સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં 2019-20માં વેચાયેલી 2.59 લાખમાંથી 3000 એટલે કે, 1.15 ટકા ઔડી, બીએમડબ્લુય, પોર્સે, જગુઆર, મર્સિડીઝ અને ઇનોવા જેવી બ્રાન્ડનો સમાવેશ થતો હતો. જેમાંથી 700 લક્ઝુરિયસ કારનું અમદાવાદમાં વેચાણ થયું હતું.
2020-21માં વેચાયેલી 2.02 લાખ કારમાંથી 3000 કાર એટલેકે 1.50 ટકા વેચાણ રહ્યું હતું. આમાં પણ અમદાવાદમાં 700 કાર વેચાઇ હતી. વર્ષ 2020-21માં એસયુવીના વેચાણ માર્કેટમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. એસયુવીનો ક્રેઝ વધી રહ્યો છે. વિવિધ કંપનીઓના મોડલમાં આવતા એસયુવીનું વેચાણ નોંધપાત્ર રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેર નહીં આવે અને સ્કૂલ-કોલેજો ઝડપથી શરૂ થઇ જશે તો ઓટોમોબાઇલના માર્કેટમાં ગ્રોથ આવશે. નહીં તો વેચાણ પર ગંભીર અસર થશે. કોવિડમાં પણ વાહનો વેચાતા હોવાથી ઘણાં વાહન ડીલર્સે સ્ટાફની નોકરીઓ બચાવી લીધી હતી. પરંતુ ત્રીજી લહેર ઘાતક હશે તો ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નોકરીઓ પર પર ગંભીર અસર થવાની સંભાવના ફેડરેશને વ્યક્ત કરી છે.
(PHOTO-FILE)