ગુજરાતમાં કોરોના ઓછો થતાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો
અમદાવાદઃ રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા હતા ત્યારે રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા 15થી 20 દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સેનિટાઇઝરનું વેચાણ પણ ઘટ્યું છે. સમગ્ર રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો થયો છે. ઘણા વેપારીઓએ તો ધંધા બદલીને સેનેટાઈઝર વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. લોકો પણ બહાર નિકળે ત્યારે નાની સેનેટાઈઝની બોટલો ખીસ્સામાં રાખતા હતા. અને એક તબક્કે સેનેટાઈઝની ખૂબ માગ ઊભી થઈ હતી. પણ ત્યાર બાદ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સેનેટાઈઝની માગ ઘટી ગઈ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, હાલમાં મુંબઈમાં કોરોનાના નવા વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટના કેસોમાં વધારો થયો છે તેમ જ ડેલ્ટા વેરિઅન્ટના કેસ સુરત અને વડોદરામાં પણ નોંધાયા છે તેમ છતાં લોકો કોરોનાને હળવાશથી લઈ રહ્યા છે. લોકો કોરોનાની ગાઇડલાઇન ભૂલી પ્રવાસો કરી રહ્યા છે અને માસ્ક, સેનિટાઇઝરનો વપરાશ ઘટાડી દીધો છે. કોરોનાના વાઇરસના સંક્રમણથી બચવા માટે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. હાલમાં કોરોનાના કેસ ઘટ્યા છે, પણ કોરોના સંપૂર્ણ રીતે ગયો નથી. આથી લોકોએ કોરોનાને હળવાશથી લેવાને બદલે નિયમિત સેનિટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરીને કોરોના સામે રક્ષણ મેળવવું જરૂરી છે.