મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાનના મિત્ર સીદ્દીક બાબાની લોરેન્સ ગેંગે હત્યા કર્યાં બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચેની તકરાર ચર્ચાનો મુદ્દો બન્યો છે. હિન્દી ફિલ્મ હમ સાથ સાથ હૈના શુટીંગ દરમિયાન સલમાન ખાન દ્વારા રાજસ્થાનમાં કાળા હરણનો શિકાર કર્યો હતો. બિશ્નોઈ સમાજ કાળા હરણને પુજનીય માને છે. શિકાર મામલે બિશ્નોઈ સમાજ અને સલમાન ખાન વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલે છે. દરમિયાન બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ તેની પાસે 2 કરોડ રૂપિયાની માંગણી પણ કરી છે. મુંબઈ પોલીસે બુધવારે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. મુંબઈ ટ્રાફિક પોલીસને એક સંદેશ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો અભિનેતા 2 કરોડ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. પોલીસે તરત જ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધીને કેસની તપાસ શરૂ કરી હતી.
આ પહેલા પણ મુંબઈ પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન ડેસ્કને સલમાન ખાન તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ દરમિયાન બોલિવૂડ એક્ટર પાસેથી 5 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે જમશેદપુરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગને ટાંકીને મેસેજ મોકલનારએ કહ્યું હતું કે, જો સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, જો તે પૈસા નહીં આપે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.