Site icon Revoi.in

કચ્છના નાના રણમાં માવઠાની આગાહીને લીધે મીઠાના વેપારીઓ અને અગરિયાઓ ચિંતિત બન્યા

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કાળઝાળ ગરમી સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે. દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરતાં જિલ્લાના ખારાઘોડા અને પાટડી વિસ્તારના રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠાના વેપારીઓ ચિંતિત બન્યા છે. કારણ કે હાલમાં ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાંથી મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, અને હજુ 40 ટકા જેટલું મીઠું હજી રણમાં પડ્યું છે. જો માવઠું પડે તો મોટી નુકશાની સહન કરવી પડશે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા, ઝીંઝુવાડા અને પાટડી સહિતના રણ વિસ્તારમાં હાલ મીઠાની સીઝન ચાલી રહી છે, અગરિયાઓએ અસહ્ય તાપમાનમાં કાળી મજુરી કરીને મીઠાના ઢગલાં કર્યા છે. અને હાલમાં જેસીબી અને ડમ્પર સહિતના સાધનો વડે ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાંથી મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે રણમાં અંદાજે 15 લાખ મેટ્રિક ટન મીઠાની આવક થવાની આશા સેવાઈ રહી છે. અને હજી 40 ટકા જેટલું મીઠું હજી રણમાં પડ્યું છે. અત્યાર સુધીમાં 60 ટકા મીઠું રણમાંથી ખેંચીને મીઠાના ગંજા બનાવવાનું કામ ચાલી રહ્યું છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આથી ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં વરસાદની આશંકાથી મીઠાના વેપારીઓ અને અગરિયાઓ મુંઝવણમાં મુકાયા છે. એકબાજુ રણમાં મીઠું પકવતા અગરિયાઓની આખા વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર કરેલું મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રણમાં વરસાદની આશંકાના પગલે અગરીયા સમુદાયનો મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જવાનો ભય ઉભો થયો છે.