અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત ચાલી રહી છે. અને ભાજપ દ્વારા દરેત બેઠકો પર જીતી શકે એવા ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યુ હોવાનું કહેવાય છે.ત્યારે વિવિધ સમાજો દ્વારા પોતાના સમાજના વ્યક્તિઓને વધુ ટિકિટો મળે તે માટે લોબીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં સારૂએવું વર્ચસ્વ ધરાવતા પાટિદાર સમાજે પણ તમામ પક્ષોને આડકતરી ચીમકી આપી છે, કે પાટિદાર સમાજને વસતી પ્રમાણે પુરતી ટિકિટો આપવામાં નહીં આવે તો પાટિદાર સમાજ પરચો બતાવી દેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણી પુર્વે વિવિધ સમાજો વધુ પ્રતિનિધિત્વની માંગ સાથે રાજકીય પક્ષો પર દબાણ કરી રહ્યા છે. ખાસ કરીને સમાજની વસતીને આગળ ધરીને તેના આધારિત ટિકીટ માટે ભાજપ પર દબાણ વધુ છે તેવા સમયે લેઉવા પાટીદાર નેતા અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પણ સમાજનો હકક માંગવાનું સ્પષ્ટ આહવાન કર્યું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ તાજેતરમાં ડીસામાં સમસ્ત પાટિદાર સમાજના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, પાટિદારો પોતાનો અધિકારો ચોકકસ માંગશે. વિધાનસભાની ચૂંટણી વખતે બધુ નકકી થશે પરંતુ જે પાટિદારોનો અધિકાર છે તે પાટિદારો ચોકકસ માંગશે. પાટિદારોની વસતી ઘણી મોટી છે અને તેના આધારે રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ એવી ચોખવટ કરતા તેમણે ઉમેર્યું હતું કે, પોતે કોઈ એક રાજકીય પક્ષ માટે વાત નથી કરતા. તમામ રાજકીય પક્ષોને આ લાગુ પડે છે અને પાટિદારોને પુરતુ પ્રતિનિધિત્વ નહીં આપનારા પક્ષને સમાજ પરચો બતાવે તે સ્વાભાવિક છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 60થી70 બેઠકો પર પાટીદારોને ટીકીટ મળતી હોય છે, અગાઉ વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે પણ ચૂંટણીમાં પાટીદારોને પુરતુ પ્રતિનિધિત્વ આપવાનો અવાજ ઉઠાવ્યો હતો. હવે નરેશ પટેલ પણ બોલ્યા છે, ત્યારે આવતા દિવસોમાં અવાજ વધુ બુલંગ થવાનુ માની શકાય તેમ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી વર્ષમાં નરેશ પટેલે રાજકારણમાં સક્રીય થવાની તૈયારી કરી હતી પરંતુ પછી સમાજમાં એકસૂર કે સર્વસંમત પ્રતિભાવ ન આવતા માંડી વાળ્યુ હતું છતાં ચૂંટણીમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ માટે રાજકીય પક્ષો પર દબાણ કરે તેવી શકયતાનો ઈન્કાર થતો નથી. કોઈ એક રાજકીય પક્ષને સમર્થન આપે તેવી શકયતા નથી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડીસાના કાર્યક્રમમાં વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનમાં પ્રમુખ આર.પી.પટેલ પણ હાજર હતા. જો કે, તેમણે કોઈ રાજકીય નિવેદન આપવાનું ટાળ્યુ હતું. તેમણે જેહાદનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. આ પ્રકારની ઘટના રોકવા માટે એકસંપ થવાની સાથોસાથ સંગઠીત થવાનું પણ આહવાન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી પણ હાજર હતા. સમાજમાં મહિલાઓને પોતાનું સ્થાન મજબૂત કરવા દીકરીઓને ખાસ તાલીમ આપીને તકેદારી રાખવા સૂચવ્યુ હતું. સમાજના સ્નેહમિલન તથા તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં સમાજનાં આગેવાનો ઉપરાંત રાજકીય નેતાઓ ઉપસ્થિત હતા.