અમદાવાદઃ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે પાર્સલની સેમ ડે ડિલેવરી યોજનાનો પોસ્ટલ વિભાગ દ્વારા પ્રારંભ કરાયો છે. બન્ને શહેરોની મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં આવેલી તમામ પોસ્ટ ઓફિસોમાં પાર્સલ સ્વીકારવામાં આવશે. સેમ ડે ડિલેવરી બદલ પોસ્ટલ વિભાગ દ્વારા નવો કોઇ જ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવશે નહી. અમદાવાદમાં પોસ્ટ વિભાગની આ યોજનાને સારોએવો પ્રતિસાદ મળ્યા બાદ હવે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે પણ પાર્સલ સેમ ડે ડિલિવરીની યોજના અમલમાં મુકવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી કુરીયર કંપનીની સ્પર્ધામાં ટકી રહેવા માટે પોસ્ટલ વિભાગ દ્વારા પાર્સલ સેવા યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ પાર્સલ મોડા પહોંચતા હોવાથી લોકો પોસ્ટમાં પાર્સલ આપવાને બદલે ખાનગી કુરીયર કંપનીઓમાં પાર્સલો આપતા હતા. આથી પોસ્ટ વિભાગે ખાનગી કૂરિયર કંપનીઓનો ઈજારો તોડવા માટે પોસ્ટ પાર્સલ સેવાને વધુ લોકભોગ્ય બનાવવાનો નિર્ણય લીધો છે. અને ગાંધીનગર અને અમદાવાદ પોસ્ટલ વિભાગ દ્વારા પાર્સલની સેમ ડે ડિલેવરીની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત લોકોએ પાર્સલને બપોરે 2-00 કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં આપવામાં આવશે તો જ સેમ ડે પાર્સલની ડિલેવરી કરવામાં આવશે. સેમ ડે પાર્સલ ડિલેવરી યોજના અંતર્ગત ગાંધીનગરના મ્યુનિ. વિસ્તારની પોસ્ટ ઓફિસોમાં હેડ ઓફિસ, સેક્ટર-6, 7, 16, 21, 24, 28, ભાટ, ઉવારસદ, પેથાપુર, રાંધેજા અને કોબા પોસ્ટ ઓફિસમાં પાર્સલ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જોકે સેમ ડે પાર્સલ ડિલેવરી યોજનાની અમલવારી માત્ર ગાંધીનગર અને અમદાવાદ વિસ્તાર માટે જ શરૂ કરવામાં આવી છે. જોકે પોસ્ટ વિભાગ દ્વારા પાર્સલના પેકિંગ યોજના બાદ સેમ ડે પાર્સલની ડિલેવરી યોજનાથી કુરીયર કંપનીઓને આર્થિક ફટકો પડવાની શક્યતા રહેલી છે. જોકે સેમ ડે પાર્સલ ડિલેવરી યોજના અંતર્ગત પોસ્ટલ વિભાગ દ્વારા નિયત કરેલો ચાર્જ જ લેવામાં આવશે. તેના માટે કોઇ વિશેષ ચાર્જ પણ લેવામાં આવશે નહી. ઉપરાંત આગામી સમયમાં રાજ્ય અને દેશના અન્ય શહેરોમાં પણ આ યોજના શરૂ કરાશે.(file photo)