અમદાવાદઃ જિલ્લાના સાણંદ શહેરમાં નગરપાલિકાએ ટેક્ષ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના આદેશ બાદરાજ્યભરની તમામ નગર પાલિકાઓમાં બાકી ટેક્સ વસુલાત ઝૂંબેશ હાથ ઘરવામાં આવી છે. જેમાં સાણંદ નગર પાલિકાએ ટેક્સ ન ભરનારા સામે સિલીંગ અભિયાન આદરવામાં આવ્યુ છે. ત્યારે સાણંદ તાલુકાની વર્ષો જૂની પ્રતિષ્ઠિત સંસ્થા જેડીજી હાઈસ્કૂલનો 23 લાખ ઉપરાંતની રકમનો મિલકત વેરો બાકી હોવાને કારણે શાળામાં સીલ મારી દેતા 350 વિદ્યાર્થિનીઓનું ભવિષ્ય જોખમાયું છે. સાણંદની ભગિની સમાજ ટ્રસ્ટ સંચાલિત જડીબા સંસ્કાર કન્યા વિદ્યાલય જેને લોકો જેડીજી હાઈસ્કૂલના ટૂંકા નામે ઓળખે છે. આ હાઈસ્કુલના ટ્રસ્ટીઓ 15 વર્ષથી વેરો ભર્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ સાણંદ અને નળકાંઠા અતિ પછાત વિસ્તારોની વિદ્યાર્થિનીઓ માટે આ સંસ્થા આશીર્વાદ રૂપ છે ત્યારે ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી મિલકત વેરો નહિ ભરવામાં આવતા વેરાની રકમ 23 લાખને આંબી ગઈ છે ત્યારે નગર પાલિકાએ જેડીજી હાઈસ્કૂલ સહિત આ ટ્રસ્ટને સંલગ્ન અન્ય સંસ્થાઓ ખાદીકેન્દ્ર અને વિશ્વવત્સલ હોસ્પિટલના પણ મિલકત વેરા બાકી હોવાને કારણે આ સંકુલોને પણ સીલ મારી દેવાયા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જેડીજી હાઈસ્કુલનો વર્ષોથી વેરો બાકી હોવાથી નગરપાલિકાએ નોટિસ પણ મોકલી હતી. ત્યાર બાદ ટ્રસ્ટ દ્વારા નગર પાલિકાને ગત તા 9 ફેબ્રુઆરીના રોજ પત્ર લખીને જણાવાયું હતું કે આ સંસ્થા સરકારી ગ્રાન્ટેડ શાળા છે અને અહી કોઈ ફી લેવામાં આવતી નથી. અને ટ્રસ્ટની કોઈ પણ આવક છે નહીં, ત્યારે આટલી મોટી જંગી રકમનો વેરો ભરવા સક્ષમ નથી ત્યારે કન્યા કેળવણી ક્ષેત્રે તાલુકામાં આશીર્વાદ રૂપ કામ કરતી આ શાળાનો વેરો માફ કરવામાં આવે. જોકે નગરપાલિકાએ હાઈસ્કુલને સીલ મારી દેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.