અમદાવાદઃ શહેરમાં 154 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસના કામોનું આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરાયું હતુ. જેમાં 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા સનાથલ જંકશન પરના બ્રિજનો સમાવેશ થાય છે. ઔડાના સરદાર પટેલ રિંગ રોડ પાસે આવેલા સનાથલ જંકશન બ્રિજ પરથી રોજના અંદાજે 70 હજારથી વધુ વાહન પસાર થાય છે. આ બ્રિજને લીધે ટ્રાફિકજામમાં ફસાવામાંથી મુક્તિ મળશે. મ્યુનિ. દ્વારા 4.39 કરોડના ખર્ચે જીએસટી ફાટક પાસે પેડેસ્ટ્રીયન સબવે બનાવવામાં આવ્યો છે. જેનું પણ ઇ-લોકાર્પણ કરાયું હતુ.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે અમદાવાદના શહેરીજનોને મોટી ભેટ આપી હતી. અમિત શાહના હસ્તે અમદાવાદના રિંગ રોડ પર બનાવાયેલા સનાથલ બ્રિજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતુ. એસપી રિંગ રોડ પરના આ બ્રિજને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હવે વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળશે. 97 કરોડ રૂપિયાના ખર્ચે સનાથલ-SP રિંગ રોડ પરનો બ્રિજ તૈયાર કરાયો છે. આ સાથે જ અમદાવાદમાં 154 કરોડના ખર્ચે અનેક વિકાસના કામોનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતુ..
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તમામ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતુ. વિવિધ કાર્યોનું લોકાર્પણ કરતા અમિત શાહે જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન.તથા ઔડા અને રાજ્ય સરકારને મારા મત વિસ્તારમાં વિકાસ કામો ભેટ આપવા બદલ હું અભિનંદન આપું છું. 154 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાપર્ણ થઇ રહ્યું છે. સૌથી મહત્વનો એવો સનાથલ ફ્લાયઓવર છે. હું ધારાસભ્ય હતો ત્યારથી તેની માંગણી થતી હતી, આજે સાંસદ તરીકે તેની શરૂઆત કરતા આનંદ થઇ રહ્યો છે. આ કામ માટે સાણંદના ધારાસભ્ય મારી પાછળ પડી ગયા હતા. શેલા વિસ્તારમાં થઇ રહેલા રહેણાંક બાંધકામને જોતા ત્યાં ડ્રેનેજ લાઈનનું મહત્વનું કામ કરાયું છે. આવાસો મેળવનારા સૌને હું અભિનંદન આપું છું. સ્માર્ટ સ્કૂલ થકી બાળકો દરેક બાબતમાં આગળ વધી શકશે. સ્માર્ટ સ્કૂલ એ ફક્ત કન્સેપ્ટ નથી, પણ બાળકના જીવનમાં પરિવર્તન લાવનાર માધ્યમ છે. આ શાળાઓમાં ભણનાર તમામ બાળકોના માતાપિતાને અભિનંદન આપું છું.