Site icon Revoi.in

ગાંધીનગર ખાતે સ્વચ્છતા ઝૂંબેશ: હેડક્વાર્ટર દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ દ્વારા આયોજન

Social Share

ગાંધીનગર:‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ભારતીય વાયુસેના દ્વારા અર્થપૂર્ણ અને અસરકારક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતે વાયુ યોદ્ધાઓ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ઉપર આધારિત સમુદાય સંપર્ક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રવૃતિનો હેતુ સ્થાનિક લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

7મી મે, 2022ના રોજ હેડક્વાર્ટર દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડે ગાંધીનગરના ‘પાલજ’ ગામ ખાતે સ્વચ્છ ભારત અભિયાનનું આયોજન કર્યુ હતું.વાયુ યોદ્ધાઓની ટીમ સવારે ગામમાં એકત્રિત થઇ હતી. આ ટીમે ત્યારબાદ ગામમાં વિશિષ્ટ શ્રમદાન કામગીરી હાથ ધરી હતી. વાયુ યોદ્ધાઓ સમગ્ર ગામને આવરી લેવા માટે યોદ્ધાઓના પાંચ જૂથમાં વહેંચાઇ ગયા હતા.

પોલિથિનની કોથળીઓ દૂર કરવાની ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવી હતી.વાયુ સેનાના તબીબી અધિકારીઓએ સામુદાયિક સફાઇ અને વ્યક્તિગત સ્વચ્છતાના મહત્વ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.ટીમે ગ્રામજનોને મચ્છરજન્ય રોગો અટકાવવા અંગે પણ સલાહ આપી હતી.

વાયુ યોદ્ધાઓની પ્રવૃતિઓથી પ્રેરિત થઇને ગ્રામજનો પણ અભિયાનમાં ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા હતા. સરપંચ ચેતનભાઇ અને ગ્રામજનોએ વાયુ યોદ્ધાઓ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોને બિરદાવ્યાં હતાં અને તેમણે ખાતરી આપી હતી કે તેઓ ભવિષ્યમાં પણ ‘સ્વચ્છ ભારત અભિયાન’ની પ્રવૃતિઓ તેના ખરા અર્થમાં ચાલુ રાખશે.