Site icon Revoi.in

નીતિશ કુમારની એનડીએમાં વાપસીનો માર્ગ બનાવનારા સંજય ઝા રાજ્યસભામાં જશે?

Social Share

નવી દિલ્હી: રાજકારણ એક મોટો સંભાવનાઓ અને ગિવ એન્ડ ટેકનો ખેલ છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમારના નિકટવર્તી સહયોગી અને બિહાર સરકારમાં પૂર્વ મંત્રી સંજય ઝા રાજ્યસભામાં જાય તેવી શક્યતા છે. બિહારમાં રાજ્યસભાની એક બેઠક જનતાદળ યૂનાઈટેડને મળશે અને આ બેઠક પરથી નીતિશ કુમારે સંજય ઝાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે.

જાણકાર સૂત્રો મુજબ, સંજય ઝાએ આ વખતે દિલ્હીમાં ભાજપ નેતૃત્વ સાથે વાતચીત કરી હતી અને નીતિશ કુમારની એનડીએમાં વાપસીનો માર્ગ બનાવ્યો હતો. તે ગઠબંધનમાં દરભંગા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા ચાહે છે. પરંતુ તે ભાજપની પરંપરાગત બેઠક છે અને તે આ બેઠક છોડશે નહીં. તેથી સંજય ઝાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે ચર્ચા એ પણ હતી કે કે. સી. ત્યાગી પણ આ મામલામાં સક્રિય હતા અને તેમને પણ રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ ત્યાગી આ વખતે પણ રાજ્યસભામાં જવાથી ચૂકી ગયા. નીતિશ કુમારે થોડા દિવસો પહેલે તેમના પોતાના રાજકીય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા.

બિહારમાં જનતાદળ યૂનાઈટેડની બે રાજ્યસભા બેઠકો ખાલી થઈ રહી છે. પરંતુ જેડીયુ પાસે માત્ર 45 ધારાસભ્યો છે. માટે તે એકથી વધુ બેઠક જીતી નહીં શકે. ભાજપની એક બેઠક ખાલી થઈ રહી છે. પરંતુ ભાજપને બે બેઠકો મળશે. બે બેઠકો આરજેડીના ખાતામાં જશે. એક બેઠક પરથી કોંગ્રેસના બિહાર ખાતેના પ્રદેશ પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહ રાજ્યસભામાં છે અને માનવામાં આવે છે કે કોંગ્રેસના 19 અને ડાબેરી પક્ષોના 16 ધારાસભ્યોની મદદથી તેઓ ફરીથી રાજ્યસભામાં પહોંચશે.

નીતિશ કુમારની પાર્ટી જેડીયુના વયોવૃદ્ધ નેતાઓ વશિષ્ઠ નારાયણ સિંહ અને અનિલ હેગડે રિટાયર થઈ રહ્યા છે. નીતિશ કુમાર પોતાના કોટાની એકમાત્ર બેઠક પરથી સંજય ઝાને રાજ્યસભામાં મોકલશે.