ભાજપ-શિવસેનાના ફરીથી ગઠબંધનને લઈને સંજય રાઉત બોલ્યાં કંઈક આવું…
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જે રીતે એક સમારંભમાં કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાવતે સહિત કેટલાક નેતાઓ અને પૂર્વ અને સંભાવિત ભાવી સહયોગી કહીને સંબોધિત કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફેરપારની અટકળો વહેતી થઈ હતી. ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનની અટકળો વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે સ્પષ્ટ કરી દીધું છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર પાંચ વર્ષ સુધી સત્તામાં રહેવા પ્રતિબદ્ધ છે અને ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે, શિવસેના કોઈને પીઠ પાછળ છરો નથી મારતી. ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાએ વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ સાથે સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકી દીધો હતો. તેમજ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપ સાથે સંભવિત ગઠબંધન પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર 5 વર્ષ સુધી સત્તામાં રહેશે. શિવસેના પોતાના વાયદાઓ ઉપર કામ કરે છે. જો કોઈને સીએમની ટીપ્પણી ઉપર ખુશી થતી હોય તો ત્રણ વર્ષ શાંતિ રાખે. શિવસેના કોઈના પીઠમાં છુરો મારતી નથી. ભાજપ અને શિવસેના વચ્ચે ફરીથી ગઠબંધનને લઈને છેલ્લા કેટલાક સમયથી રાજકીય વર્તુળોમાં અટકળો વહેતી થઈ હતી. પરંતુ આ વખતે ઈશારો સીએમ ઠાકરે તરફથી હતો. જેથી મામલો વધુ ગરમાયો હતો અને અટકળો વધારે તેજ બની હતી. જો કે, ઉદ્ધવ ઠાકરેએ કાર્યક્રમમાં જ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, તેમણે પૂર્વ અને વર્તમાન સહયોગી એટલા માટે કહ્યું કે મંચ ઉપર તમામ રાજકીય પક્ષના નેતાઓ બિરાજમાન હતા. જો બધા સાથે આવે છે તો ભાવી સહયોગી બની શકે છે. જો કે, આ તો સમય જ બતાવશે.