મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરીને શિવસેનાના જ 42 જેટલા ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને બળવો કર્યો છે. તેમજ હાલ આ દારાસભ્યો ગોવાહાટીમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોએ એનસીપી અને કોંગ્રેસ સાથેની સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આમ છેલ્લા ત્રણેક દિવસથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બીજી તરફ પહેલા બળવાખાર ધારાસભ્યો સામે તેજાબી નિવેદન આપનારા શિવસેનાના સાંસદ સંજય રાઉતના સૂર બદલાયાં છે, હવે તેમણે નારાજ ધારાસભ્યોને ઉદ્ધવ ઠાકરેને મળવા અપીલ કરી છે. તેમજ કહ્યું કે, જો તેઓ ઈચ્છે તો મહા વિકાસ અઘાડી સરકારનો સાથ છોડવા માટે પણ શિવસેના તૈયાર છે.
સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો બળવાખોર ધારાસભ્યોનું જૂથ 24 કલાકમાં મુંબઈ પરત આવીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આ મામલે ચર્ચા કરે તો શિવસેના મહા વિકાસ અઘાડી સરકારનો સાથ છોડવા માટે તૈયાર છે. દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અમે ભાજપને સત્તામાં આવતા રોકવા માટે શિવસેના સાથે છીએ. કોંગ્રેસ ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે. અમે મહા વિકાસ અઘાડી સાથે છીએ અને રહીશું.
સંજય રાઉતે નારાજ ધારાસભ્યોનો ઉલ્લેખ કરીને કહ્યું કે,, “તમે કહો છો કે તમે સાચા શિવસૈનિક છો અને પક્ષ છોડશો નહીં. અમે તમારી માંગ પર વિચાર કરવા તૈયાર છીએ, જો તમે 24 કલાકમાં મુંબઈ પાછા આવો અને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે ચર્ચા કરો.” તમારી માંગ પર હકારાત્મક વિચારણા કરવામાં આવશે. ટ્વિટર અને વોટ્સએપ પર પત્રો લખશો નહીં.
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ મહાવિકાસ અઘાડી નામે ગઠબંધન કરીને સરકાર રચી હતી. દરમિયાન એનાથ શિંદે સહિત શિવસેનાના 42 ધારાસભ્યોએ બળવો પોકાર્યો હતો. શિવસેનાના નેતાઓ દ્વારા નારાજ ધારાસભ્યોને મનાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યાં હતા. પરંતુ તેમાં નિષ્ફળ રહ્યાં બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે મહા વિકાસ અઘાડી સાથે ગઠબંધન તોડવાની તૈયારી દર્શાવતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ એનસીપી અને કોંગ્રેસમાં પણ આ નિવેદન બાદ બેઠકનો દોર શરૂ થયો છે.